વિધાનસભા ચૂંટણી: ભાજપે રાજસ્થાનમાં જાહેર કરી બીજી યાદી…
જયપુર: ભાજપે રાજસ્થાનમાં વિધાનસભા ચૂંટણી 2023 માટે ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી દીધી છે. યાદીમાં 83 ઉમેદવારોના નામ છે. નવી દિલ્હીમાં 20 ઓક્ટોબરે પાર્ટીની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠકમાં ઉમેદવારો અંગેનો નિર્ણય લેવામાં આવ્યો હતો. સીઈસીની બેઠક લગભગ દોઢ કલાક સુધી ચાલી હતી. આ વખતે પાર્ટીએ વિપક્ષના નેતા રાજેન્દ્ર સિંહ રાઠોડની સીટ બદલી છે. તેમને ચુરુની જગ્યાએ તારા નગર સીટ પરથી મેદાનમાં ઉતારવામાં આવ્યા છે.
આ વિધાનસભા ચૂંટણીમાં બે વર્તમાન ધારાસભ્યોની ટિકિટો રદ કરવામાં આવી છે. પાર્ટીએ આ વખતે ચિત્તોડથી ચંદ્રભાન સિંહ અને સાંગાનેરથી અશોક લાહૌટીની ટિકિટો રદ કરી છે. તેના બદલામાં ભૈરો સિંહ શેખાવતના જમાઈ નરપત સિંહ રાજવીને ચિત્તોડથી ટિકિટ આપવામાં આવી હતી, જ્યારે અગાઉ દિયા કુમારીને ટિકિટ આપવામાં આવી હતી. જ્યારે પ્રદેશ મહામંત્રી ભજનલાલ શર્માને સાંગાનેરથી ટિકિટ આપવામાં આવી છે.
ભાજપની આ પ્રથમ યાદીમાં 41 ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી હતી. ભાજપે તેની પ્રથમ યાદીમાં રાજ્યવર્ધન સિંહ રાઠોડ અને દિયા કુમારી સહિત 7 સાંસદોને મેદાનમાં ઉતાર્યા છે. આ સાથે અનેક દિગ્ગજ નેતાઓની ટિકિટો રદ પણ કરવામાં આવી હતી. આ યાદીમાં ઘણા એવા પણ નામો છે જે જોઇને કોઇને પણ આશ્ચર્ય થાય. ઝુંઝુનુંના સાંસદ નરેન્દ્ર કુમાર, અલવરના સાંસદ બાબા બાલકનાથ, અજમેરના સાંસદ ભગીરથ ચૌધરી, જાલોર-સિરોહીના સાંસદ દેવજી પટેલ અને રાજ્યસભાના સાંસદ કિરોડીલાલ મીણા પર આ વખતે ભાજપે દાવ ખેલ્યો છે.
સવાઈ માધોપુરથી રાજ્યસભાના સાંસદ કિરોડીલાલ મીણાને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. જ્યારે અલવરના સાંસદ બાબા બાલકનાથને તિજારાથી ટિકિટ આપવામાં આવી છે. જાલોર સિરોહીના સાંસદ દેવજી પટેલને સાંચોરથી અને અજમેરના સાંસદ ભગીરથ ચૌધરીને કિશનગઢથી મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. ભાજપે પોતાની પ્રથમ યાદીમાં ઓબીસી વર્ગને 16 અને મહિલા વર્ગને 4 ટિકિટ આપી છે. પૂર્વ IAS અધિકારી ચંદ્રમોહન મીણાને પણ ટિકિટ આપવામાં આવી છે.