તમિલનાડુમાં ભાજપ માટે કપરા ચઢાણઃ એઆઈએડીએમકીએ પાર્ટીથી રાખ્યું અંતર?

ચેન્નઈ: તમિલનાડુમાં આગામી વર્ષે થનારી વિધાનસભા ચૂંટણીને લઈ ભાજપ અને AIADMKએ હાથ મિલાવ્યો હતો. જો કે ચૂંટણી પહેલા જ આ ગઠબંધન તુટી રહ્યું હોવાના એંધાણ દેખાઈ રહ્યા છે.
AIADMK એ મંગળવારે જાહેરાત કરી કે જો ચૂંટણીમાં ગઠબંધનની જીત થાય છે તો તો રાજ્યમાં કોઈ “ગઠબંધન સરકાર” નહીં બને. આ જાહેરાતથી ભાજપના ગઠબંધનની યોજના પર પાણી ફરી વળ્યું છે.
AIADMKના પ્રમુખે મંગળવારે જાહેરાત કરી કે જો તેમનું ગઠબંધન ચૂંટણી જીતે છે, તો રાજ્યમાં કોઈ ગઠબંધન સરકાર રહેશે નહીં. AIADMK ના વડા એડાપ્પડી કે પલાનીસ્વામીએ કહ્યું કે તમિલ પાર્ટી ગઠબંધન સરકાર સ્વીકારશે નહીં અને ભાજપ સાથેનું ગઠબંધન ફક્ત ચૂંટણી માટે છે. EPSનું નિવેદન દર્શાવે છે કે તમિલ પાર્ટી ગઠબંધન સરકાર ઇચ્છતી નથી અને ભાજપ સાથે જોડાણ કરીને જ ચૂંટણી લડશે.
આપણ વાંચો: ભાજપ અને AIADMK વચ્ચેનું ગઠબંધન કેમ તૂટી ગયું…
શા માટે AIADMK બદલ્યું વલણ?
એ ખાસ નોંધવું રહ્યું કે આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે અહેવાલો છે કે કેટલાક AIADMK નેતાઓ ભાજપ સાથેના ગઠબંધનથી નારાજ છે. આ નારાજગીનું કારણ રાજ્યમાં 2019 વિધાનસભા અને 2024 લોકસભા ચૂંટણી બંનેનો ખરાબ ટ્રેક રેકોર્ડ છે. વકફ કાયદામાં સંશોધન સામેના વિરોધને પગલે મુસ્લિમો સહિત લઘુમતી સમુદાયોના મતોના સંભવિત નુકસાનને ધ્યાનમાં રાખીને AIADMK એ પણ પોતાનું વલણ બદલ્યું હોવાના અહેવાલ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે 12 એપ્રિલના રોજ ભાજપે બે વર્ષ બાદ ફરીથી AIADMK સાથે હાથ મિલાવ્યો હતો. આ દરમિયાન જ ભાજપ પ્રદેશ અધ્યક્ષ અન્નામલાઈને 4 વર્ષ બાદ પોતાનું પદ છોડવું પડ્યું હતું.
નયનર નાગેન્દ્રને નવા પ્રદેશ પ્રમુખ બનાવવામાં આવ્યા હતા. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે આ પ્રસંગે કહ્યું કે રાજ્યમાં 2026ની વિધાનસભા ચૂંટણી AIADMK પ્રમુખ પલાનીસ્વામીના નેતૃત્વમાં લડવામાં આવશે. હવે ભાજપ પણ AIADMKના બદલાયેલા વલણથી ચોંકી ઉઠ્યું છે.