Delhiના એરપોર્ટ પર બાયોમેટ્રિક સ્કેનર લગાવાયા; હવે ઈમિગ્રેશન માટે નહિ લાગે લાંબી કતારો

નવી દિલ્હી: હવે દિલ્હીના ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી મુસાફરી કરી રહેલા મુસાફરો માટે એક સારા સમાચાર છે. હવે તેમને ઈમિગ્રેશન કાઉન્ટર પર બાયોમેટ્રિક પ્રક્રિયા માટે એમનો વધારે સમય વેડફવાની જરૂર નહીં રહે. દિલ્હી ઇન્ટરનેશનલ એરપોર્ટ લિમિટેડ દ્વારા ઇન્દિરા ગાંધી ઇંસ્ટારનેશનલ એરપોર્ટના ઈમિગ્રેશન વિસ્તારમાં પાંચ નવા બાયોમેટ્રિક નોંધણી કિઓસ્ક સ્થાપિત કરવામાં આવ્યા છે. જેની મદદથી મુસાફરો હવે બાયોમેટ્રિક પ્રક્રિયા આપોઆપ પૂર્ણ કરી શકશે. આ બાયોમેટ્રિક નોંધણી કિઓસ્કનો લાભ ખાસ કરીને એવા વિદેશી મહેમાનોને મળશે જેમણે વિદેશમાં તેમનું બાયોમેટ્રિક્સ કર્યું નથી.
દિલ્હી ઇન્ટરનેશનલ એરપોર્ટ લિમિટેડના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, ટર્મિનલ 3ના પ્રવેશ ઈમિગ્રેશન વિસ્તારમાં સ્થાપિત બાયોમેટ્રિક રજિસ્ટ્રેશન કિઓસ્ક ખાસ કરીને એવા વિદેશી નાગરિકો માટે બનાવવામાં આવ્યા છે કે વિઝા અરજી પ્રક્રિયા દરમિયાન જેમની બાયોમેટ્રિક માહિતી લઈ શકાઈ નથી. DIALનો દાવો છે કે ભારતના કોઈપણ એરપોર્ટ પર પ્રથમ વખત આવા બાયોમેટ્રિક રજીસ્ટ્રેશન કિઓસ્ક લગાવવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે આ તમામ બાયોમેટ્રિક કિઓસ્ક નું સંચાલન બ્યુરો ઓફ ઈમિગ્રેશન (BOI)ની દેખરેખ હેઠળ કરવામાં આવશે.
દિલ્હી ઇન્ટરનેશનલ એરપોર્ટ લિમિટેડ અનુસાર, કિઓસ્ક પર બાયોમેટ્રિક નોંધણી કર્યા પછી, વિદેશી મુસાફરો દ્વારા ઇમિગ્રેશન કાઉન્ટર પર જે સમય લાગે છે તે હાલના કાઉન્ટર કરતા 50 ટકા ઓછો હશે. આ કિઓસ્કથી માત્ર વિદેશી મહેમાનોને જ ફાયદો થશે એટલું જ નહીં, તેમની પાછળના અન્ય મુસાફરોને હવે ઇમિગ્રેશન પ્રક્રિયા માટે વધુ રાહ જોવી પડશે નહીં. DIAL અનુસાર, હાલમાં, બાયોમેટ્રિક નોંધણી વિના દિલ્હી આવતા દરેક મુસાફરોને ઇમિગ્રેશન કાઉન્ટર સુધી પહોંચવામાં સરેરાશ 4-5 મિનિટનો સમય લાગે છે, જેના કારણે પીક અવર્સ દરમિયાન ઇમિગ્રેશન વિસ્તારમાં લાંબી કતારો લાગે છે.