નેશનલ

Bill Gates એ જેપી નડ્ડા અને ચંદ્રબાબુ નાયડુ સાથે આરોગ્ય સંભાળ-ટેક્નોલોજી અંગે ચર્ચા કરી…

નવી દિલ્હીઃ માઇક્રોસોફ્ટના સહ-સ્થાપક બિલ ગેટ્સે(Bill Gates)બુધવારે કેન્દ્રીય આરોગ્ય પ્રધાન જે. પી. નડ્ડા સાથે મુલાકાત કરી અને આરોગ્ય સંભાળ ક્ષેત્રમાં સરકાર અને બિલ એન્ડ મેલિન્ડા ગેટ્સ ફાઉન્ડેશન વચ્ચેના સહયોગની સમીક્ષા કરી હતી. ગેટ્સે આંધ્ર પ્રદેશના મુખ્ય પ્રધાન એન ચંદ્રબાબુ નાયડુ સાથે આરોગ્ય સંભાળ, શિક્ષણ, કૃષિ અને રોજગાર સર્જનના ક્ષેત્રોમાં સેવા વિતરણમાં સુધાર કરવા માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ(એઆઇ) અને પૂર્વાનુમાન વિશ્લેષણનો ઉપયોગ કરવા અંગે પણ ચર્ચા કરી હતી. નડ્ડાએ એક્સ પર પોસ્ટમાં ગેટ્સ ફાઉન્ડેશનના સમર્થનથી માતૃત્વ સ્વાસ્થ્ય, રસીકરણ અને સ્વચ્છતા જેવા ક્ષેત્રોમાં ભારત દ્વારા થયેલી પ્રગતિ પર પ્રકાશ પાડ્યો હતો.

આ પણ વાંચો : આ કોને ત્યાં ચા પીવા પહોંચ્યા Microsoftના Co-Founder Bill Gates? વીડિયો થયો વાઈરલ…

ગેટ્સ ફાઉન્ડેશનની ભૂમિકાની પ્રશંસા કરી

નડ્ડાએ જણાવ્યું કે અમે અમારા સહકાર સમજૂતી પત્રનું નવીકરણ કરવા અને બધા નાગરિકો માટે સસ્તી, સુલભ અને ગુણવતાયુક્ત આરોગ્યસંભાળ સુનિશ્ચિત કરવા માટે અમારી સહિયારી પ્રતિબદ્ધતાને આગળ વધારવા માટે આતુર છીએ. ગેટ્સ સાથેની મુલાકાત બાદ નાયડુએ એક્સ પર રાજ્યના લાંબા ગાળાના વિકાસ લક્ષ્ય ‘ગોલ્ડન આંધ્ર પ્રદેશ 2047 ‘ના વિઝનને સાકાર કરવામાં ગેટ્સ ફાઉન્ડેશનની ભૂમિકાની પ્રશંસા કરી હતી.

આ પણ વાંચો : આ કોણ અવકાશયાત્રી Sunita Williamsનું સ્વાગત કરવા પહોંચ્યું? વીડિયો થયો વાઈરલ…

ગેટ્સ ફાઉન્ડેશન કૃષિ અને ગ્રામીણ વિકાસ મંત્રાલય સાથે કાર્યરત

ગેટ્સે બુધવારે સંસદની પણ મુલાકાત લીધી હતી, જ્યાં હાલ બજેટ સત્ર ચાલી રહ્યું છે. સોમવારે ગેટ્સ કૃષિ પ્રધાન શિવરાજ સિંહ ચૌહાણને મળ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે ચર્ચામાં ખાદ્ય સુરક્ષા, ગ્રામીણ વિકાસ અને કૃષિમાં એઆઇ અને મશીન લર્નિંગના ઉપયોગ સહિત વિવિધ વિષયો આવરી લેવામાં આવ્યા હતા. ચૌહાણે એક નિવેદનમાં જણાવ્યું કે ગેટ્સ ફાઉન્ડેશન કૃષિ અને ગ્રામીણ વિકાસ મંત્રાલય સાથે કામ કરી રહ્યું છે અને અમે સહયોગના નવા ક્ષેત્રોની યોજના બનાવી રહ્યા છીએ.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button