
નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે બિલ્કીસ બાનો ગેંગરેપ કેસમાં 11 દોષિતોને આત્મસમર્પણ માટેનો સમય વધારવાનો ઇનકાર કર્યો હતો. કોર્ટે જણાવ્યું હતું કે અરજીમાં દર્શાવવામાં આવેલા કારણો તેમને બે અઠવાડિયામાં શરણાગતિ આપવાના 8 જાન્યુઆરીના આદેશનું પાલન કરતા અટકાવતા નથી.
ગુજરાતમાં 2002ના રમખાણો દરમિયાન બિલ્કીસ બાનો પર ગેંગરેપ અને તેના પરિવારના સાત સભ્યોની હત્યાના કેસના દોષિતોએ ગુરુવારે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી કે, જેલ પ્રસાશન સમક્ષ સરેન્ડર કરવા માટે વધુ સમય આપવામાં આવે. દોષિતોએ ‘નાદુરસ્ત તબિયત’, ‘શિયાળુ પાકની લણણી’ અને ‘પુત્રના લગ્ન’ને કારણે સમય વધારવાની માંગ કરી હતી, જેને સુપ્રીમ કોર્ટે નકારી કાઢી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે બિલ્કીસ બાનો કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહેલા 11 દોષિતોને ગુજરાત સરકારે સમય પહેલા 15મી ઓગસ્ટ 2022ના રોજ છોડી મુક્યા હતા. ગત 8 જાન્યુઆરીના રોજ સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારના નિર્ણયને રદ કર્યા બાદ દોષિતોને બે અઠવાડિયાની અંદર પાછા જેલમાં મોકલવાનો આદેશ આપ્યો.
251 પાનાના ચુકાદામાં સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે ગુજરાત સરકારને સજા માફી માટેની અરજીઓ પર નિર્ણય લેવાનો કોઈ અધિકાર નથી. માત્ર એ રાજ્યની સરકાર જ્યાં અપરાધીઓને સજા કરવામાં આવી હતી તે રાજ્ય જ માફી માટેની અરજી પર વિચાર કરવા અને આદેશ પસાર કરવા સક્ષમ છે.
ફેબ્રુઆરી 2002માં ફાટી નીકળેલા કોમી રમખાણો દરમિયાન બિલકિસ બાનો પર 11 લોકોના ટોળાએ સામૂહિક બળાત્કાર કર્યો હતો, ત્યારે તે પાંચ મહિનાની ગર્ભવતી હતી. દોષિતોએ બિલ્કીસની ત્રણ વર્ષની પુત્રી સહીત તેના પરિવારના સાત સભ્યોની હત્યા કરી હતી. ગુજરાત સરકારે દોષિતોને મળેલી સજા માફ કરી હતી. વિશ્વ હિંદુ પરિષદે બળાત્કારી અને હત્યારાઓનું ફૂલમાળા પહેરાવી- તિલક લગાવી સ્વાગત કર્યું હતું.
સુપ્રીમ કોર્ટે અંતે બિલ્કીસને ન્યાય અપાવ્યો હતો.