
બિલાસપુર: વર્ષ 2025માં વિમાન દુર્ઘટના, રોડ દુર્ઘટનાના બનાવો જોવા મળ્યા છે. આ દુર્ઘટનાઓમાં હવે ટ્રેન દુર્ઘટનાનો પણ ઉમેરો થયો છે. આજે છત્તીસગઢના બિલાસપુરમાં ટ્રેન અકસ્માત(Rail accident in Chhattisgarh) સર્જાયો છે. જેને લઈને સ્થાનિક પ્રશાસન દ્વારા બચાવ કામગીરી શરૂ કરવામાં આવી છે.
ટ્રેન અકસ્માતમાં 4થી વધુના મોત
છત્તીસગઢના બિલાસપુરમાં આજે સાંજે લગભગ 4 વાગ્યાની આસપાસ પેસેન્જર ટ્રેન કોરબાથી બિલાસપુર તરફ જઈ રહી હતી ત્યારે એક દુર્ઘટના સર્જાઈ હતી. લાલખાદન નજીક લોકલ પેસેન્જર ટ્રેન અને માલગાડી સામસામે અથડાઈ હતી. અકસ્માત એટલો ગંભીર હતો કે, પેસેન્જર ટ્રેન માલગાડીની ઉપર ચડી ગઈ હતી. અકસ્માતના કારણે રેલવે લાઈનના ઓવરહેડ તાર અને સિગ્નલ સિસ્ટમને પણ ગંભીર રીતે નુકસાન પહોંચ્યું હતું.
આ ગંભીર અકસ્માતમાં અત્યાર સુધીમાં ચાર મુસાફરોના મોતની પુષ્ટિ થઈ છે, સૂત્રોના જણાવ્યાનુસાર આ આંકડો વધી રહ્યો છે. આ સિવાય અનેક લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.
દક્ષિણ પૂર્વ મધ્ય રેલ્વેના જનરલ મેનેજર તરુણ પ્રકાશ અને બિલાસપુર ડિવિઝનલ રેલ્વે મેનેજર રાજમલ ખોઇવાલ સહિતના વરિષ્ઠ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા છે અને પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યા છે. બિલાસપુર જિલ્લા મેજિસ્ટ્રેટે આ અકસ્માતમાં ચાર મુસાફરોના મોત અને ઘણા લોકોના ઘાયલ થવાની સત્તાવાર પુષ્ટિ કરી છે.
દુર્ઘટનાની જાણ થતાં જ તાત્કાલિક બચાવ અને રાહત કામગીરી શરૂ કરવામાં આવી હતી. ક્ષતિગ્રસ્ત કોચમાં ફસાયેલા મુસાફરોને બહાર કાઢવા માટે ગેસ કટરનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. તંત્ર દ્વારા ઘાયલોને તાત્કાલિક સારવાર પૂરી પાડવાના પ્રયાસો ચાલી રહ્યા છે.



