શપથ લીધાના 15 મિનિટ બાદ જ રાજભવન પાછા ફર્યા Bihar’s CM Nitish Kumar, અને…
બિહારના નવા મુખ્ય પ્રધાન તરીકે નીતિશ કુમારે શપથ લીધા છે ત્યારથી જ તમામ વિપક્ષી દળના તમામ નેતાઓ તેમના પર તંજ કસી રહ્યા છે. વિપક્ષી દળના ઈન્ડિયા ગઠબંધનનો હિસ્સો રહી ચૂકેલા નીતિશ કુમારે એનડીએમાં પાછા ફરીને બધા લોકોને ચોંકાવી દીધા હતા. આ બધા વચ્ચે કોંગ્રેસના નેતા જયરામ રમેશે બિહારના સીએમ પર નિશાનો સાધ્યો છે.
જયરામ રમેશે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ કરતાં લખ્યું હતું કે શપથ લીધા બાદ નીતિશ કુમાર પોતાનું મફલર લેવા માટે રાજ ભવનમાં ભૂલી ગયા હતા. અડધે રસ્તે પહોંચીને મફલર લેવા માટે નીતિશ કુમાર પાછા આવ્યા તો રાજ્યપાલ ખુદ પણ ચોંકી ઉઠ્યા હતા અને કહ્યું હતું કે અરે આ વખતે તો 15 મિનિટ પણ નથી થઈ.
ન્યુઝ એજન્સી સાથે વાત કરતાં જયરામ રમેશે નીતિશ કુમાર પર નિશાનો સાધતા કહ્યું હતું કે નીતિશ કુમાર આયા રામ, ગયા રામ નથી. તેઓ આયા કુમાર અને ગયા કુમાર છે. આ દરમિયાન તેમણે વિપક્ષી દળના ઈન્ડિયા ગઠબંધન વિશે પણ નીતિશ કુમારના જવાના પ્રભાવ પર પણ પોતાની રાય રાખી હતી.
કોંગ્રેસ નેતાએ જણાવ્યું હતું કે તેમના જવાથી ઈન્ડિયા ગઠબંધન પર પણ કોઈ પ્રભાવ નહીં જોવા મળે. આ બધી નીતિશ કુમારની ખાસિયત છે. તેઓ આયા રામ ગયા રામ નહીં પણ આયા કુમાર, ગયા કુમાર છે. આ બધું વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા રચવામાં આવ્યું છે.
એટલું જ નહીં તેમણે રાહુલ ગાંધીના નેતૃત્વમાં કાઢવામાં આવેલી ભારત જોડો ન્યાય યાત્રા પર પણ ટિપ્પણી કરી હતી. આ પહેલાં શિવસેના (યુબીટી) સાંસદ સંજય રાઉતે નીતિશ કુમારને પલટુ રામ તરીકે ઓળખાવતા કહ્યું હતું કે બિહારના મુખ્ય પ્રઝાનની રાષ્ટ્રીય જનતાંત્રિક ગઠબંધનમાં (રાજગ)માં વાપસીથી વિરોધી પક્ષના ઈન્ડિયા ગઠબંધન પર કોઈ અસર નહીં જોવા મળે.