નેશનલ

બાંકે બિહારી મંદિરની જમીનને સરકારી દસ્તાવેજોમાં કબ્રસ્તાન તરીકે બતાવાઇ, રેકોર્ડ રદ કરવાનો કોર્ટનો આદેશ

મથુરાના શાહપુર ગામ પાસે આવેલા બાંકે બિહારી મંદિરના જમીન વિવાદમાં અલાહાબાદ હાઇકોર્ટે મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. હાઇકોર્ટે મથુરાના ડિસ્ટ્રીક્ટ મેજીસ્ટ્રેટને કબ્રસ્તાન તરીકે થયેલી મંદિરની જમીનની નોંધણી રદ કરવાનો અને દસ્તાવેજ બનાવનાર સામે કેસ દાખલ કરી કડક કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો છે.

કોર્ટના ચુકાદાને પગલે મંદિરની જમીન 60 દિવસમાં બિહારીજી સેવા ટ્રસ્ટને સોંપવામાં આવશે. મથુરા સ્થિત શ્રી બિહારીજી સેવા ટ્રસ્ટે અલાહાબાદ હાઇકોર્ટમાં અરજી દાખલ કરી હતી. જેમાં દલીલ કરવામાં આવી હતી કે મંદિરની જમીન પર વર્ષ 2004 દરમિયાન ચોક્કસ સમુદાયના લોકોએ કબજો જમાવવા તેના સરકારી દસ્તાવેજોમાં ગરબડ કરી હતી અને તેની નોંધણી મંદિરને બદલે કબ્રસ્તાન તરીકે કરી હતી. આ પ્રવૃત્તિમાં જે-તે સમયે સરકારી અધિકારીઓ પણ સામેલ હતા તેવો આક્ષેપ મંદિર ટ્રસ્ટ તરફથી કરવામાં આવ્યો છે.


સમગ્ર મામલે મંદિર ટ્રસ્ટ દ્વારા પોલીસ ફરિયાદ પણ કરવામાં આવી હતી પરંતુ પોલીસે પણ કાર્યવાહીમાં ઢીલાશ વર્તી હોવાનું અરજીકર્તાએ જણાવ્યું હતું. ધર્મ રક્ષા સંઘ નામની સંસ્થા સાથે જોડાયેલા રામ અવતાર સિંહ ગુર્જર નામના વ્યક્તિએ બિહારીજી સેવા ટ્રસ્ટ સાથે મળીને અરજી દાખલ કરી હતી

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button