બિહારના વોટર્સ લિસ્ટમાં મોટા ફેરફારો: 2 લાખ નામ હટાવાશે, 33,000 નવા ઉમેરાશે!

નવી દિલ્હીઃ બિહારની મતદાર યાદીમાં નામ ઉમેરવા અને હટાવવા માટે એક મહિનાનો સમયગાળો સોમવારે સમાપ્ત થઇ રહ્યો છે. રાજ્યમાં ૩૩,૦૦૦થી વધુ મતદારોએ યાદીમાં પોતાના નામ ઉમેરવા માટે અરજી દાખલ કરી છે.
તેમજ બે લાખથી વધુ લોકોએ ડ્રાફ્ટ મતદાર યાદીમાં ખોટી રીતે સામેલ કરવામાં આવેલા નામોને દૂર કરવાની માંગ કરી છે. અત્રે નોંધનીય છે કે ડ્રાફ્ટ મતદાર યાદી ૧ ઓગસ્ટના રોજ પ્રકાશિત કરવામાં આવી હતી. તેમ જ ૧ સપ્ટેમ્બર સુધી વ્યક્તિઓ અને રાજકીય પક્ષો દ્વારા ‘દાવા અને વાંધા’ માટે ખુલ્લી રહેશે.
આ પણ વાંચો: મતદાર યાદીમાં તમારું નામ છે કે નહીં? ઘરે બેઠાં બેઠાં આ રીતે જાણો…
ચૂંટણી કાયદા હેઠળ લોકો અને પક્ષોને એવા નામોના સમાવેશને પડકારવાનો અધિકાર છે જે તેઓ અયોગ્ય માને છે. આ જ રીતે જેઓ પોતાને લાયક માને છે પરંતુ ડ્રાફ્ટ યાદીમાંથી બાકાત રાખવામાં આવ્યા છે તેઓ પણ તેમના નામનો સમાવેશ કરવાની માંગ કરી શકે છે.
બિહાર માટે અંતિમ મતદાર યાદી ૩૦ સપ્ટેમ્બરના રોજ પ્રકાશિત કરવામાં આવશે. રાજ્યમાં નવેમ્બરમાં ચૂંટણી યોજાવાની સંભાવના છે. રાજકીય પક્ષો દ્વારા નિયુક્ત કરાયેલા બૂથ-સ્તરના એજન્ટોએ અત્યાર સુધીમાં ડ્રાફ્ટ યાદીમાં નામોનો સમાવેશ કરવા માટે ૨૫ અને બાકાત રાખવા માટે ૧૦૩ દાવા દાખલ કર્યા છે.