બિહારમાં CM ના ચહેરા અંગે અમિત શાહે પણ કહી દીધું છે…..” નિશાંત કુમારે કરી સ્પષ્ટતા…

પટણા: બિહારમાં વિધાનસભા ચૂંટણીને લઈને રાજનીતિક હલચલ તેજ થઈ ગઈ છે. રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી પૂર્વે કોંગ્રેસ લાલુ પ્રસાદ યાદવની પાર્ટી (આરજેડી) સાથે ગઠબંધન કરવાના મૂડમાં છે ત્યારે નીતીશ કુમાર પણ ભાજપને પગલે પગલે ચાલવા તૈયાર છે. વિધાનસભાની ચૂંટણી પૂર્વે રાજ્યમાં મુખ્ય પ્રધાનપદના દાવેદાર તરીકે અનેક નામ આગળ આવી રહ્યા છે ત્યારે નીતીશ કુમારના દીકરાએ પણ ફોડ પાડી દીધો હતો.
બિહારના મુખ્ય પ્રધાન નીતીશ કુમારના પુત્ર નિશાંત કુમારે રાજકારણમાં પ્રવેશ અંગે ચાલી રહેલી અટકળો પર પૂર્ણવિરામ લગાવી દીધું છે. નિશાંત કુમારે કહ્યું છે કે મારા પિતા સંપૂર્ણપણે સ્વસ્થ છે. આ ઉપરાંત બિહારમાં NDA તરફથી મુખ્ય પ્રધાન ચહેરાના પ્રશ્ન પર નિશાંત કુમારે કહ્યું કે નીતીશ કુમાર બિહારના આગામી મુખ્ય પ્રધાન હશે.
કોણ છે સીએમનો ચહેરો?

જ્યારે નિશાંત કુમારને રાજકારણમાં પ્રવેશ વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું, ‘હું તમને લોકોને NDA સરકાર બનાવવા માટે અપીલ કરું છું. પિતાના નેતૃત્વમાં સરકાર બનાવો. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ અંકલ પણ બિહાર આવ્યા હતા અને તેમણે કહ્યું હતું કે ચૂંટણી નીતીશ કુમારના નેતૃત્વમાં લડવામાં આવશે અને CM નીતીશ કુમાર મુખ્ય પ્રધાનનો ચહેરો હશે. સમ્રાટ ચૌધરીએ એમ પણ કહ્યું કે તેઓ 15-15 વર્ષ સુધી અમારી સાથે રહેશે અને તેઓ મુખ્ય પ્રધાનનો ચહેરો હશે. અમે ચૂંટણી લડીશું અને જીતીશું.
પિતાજી 100 ટકા સ્વસ્થ
અત્રે ઉલ્લેખનીય છે કે તેજસ્વી યાદવ સીએમ નીતિશ કુમારના સ્વાસ્થ્ય અંગે પ્રશ્નો ઉઠાવી રહ્યા છે અને દાવો કરી રહ્યા છે કે નીતિશ કુમાર હવે સ્વસ્થ નથી, જેના પર મંગળવારે નિશાંત કુમારે ફરી એકવાર નિવેદન આપ્યું હતું. નિશાંત કુમારે કહ્યું કે પિતા સંપૂર્ણપણે સ્વસ્થ છે. પિતાજી 100% સ્વસ્થ છે. જનતા બધું જોઈ રહી છે. 25મી તારીખે વિધાનસભાની ચૂંટણી કોણ જીતશે તે જનતા નક્કી કરશે.
આપણ વાંચો : બિહારના સીએમ Nitish Kumar નો ચમત્કારિક બચાવ, કાફલા પર પડ્યો વેલકમ ગેટ