નેશનલ

ત્રણ વર્ષની ઉંમરે માતા? સરકારી યોજનાનનો લાભ લેવા જુઠ્ઠાણા, સરકારનો ઈનકાર

પટનાઃ એક બહુ મોટો વર્ગ અને ખુદ સુપ્રીમ કોર્ટ વિવિધ યોજનાઓના માધ્યમથી ગરીબોને આપવામા આવતી નાણાકીય મદદનો વિરોધ કરી રહ્યા છે. આનું કારણ એ છે કે લોકોને સારું શિક્ષણ, આરોગ્ય અને રોજગાર મળી રહે જોવાની જવાબદારી સરકારની છે અને આ રીતે ખૈરાત વેચવાથી સમસ્યાઓનું સમાધાન થશે નહીં. પણ દરેક રાજ્યની સરકારો અને દરેક પક્ષ ચૂંટણી આવે ત્યારે આવા વાયદા કરે છે અને જો સત્તા પર આવે તો આવી સૌગાતો આપે પણ છે. આ મદદ યોગ્ય લોકો સુધી જાય ત્યાં સુધી સમસ્યા નથી, પરંતુ તેનો ગેરલાભ ઉઠાવનારા ઘણા હોય છે.

આવા એક નહીં પણ ઘણા કેસ હાલમાં બિહાર સરકાર સામે આવ્યા છે અને આ એક મોટું કૌભાંડ પણ હોઈ શકે તેમ સ્થાનિક મીડિયાના અહેવાલો જણાવી રહ્યા છે.

શું છે ગેરરીતિ
વાત જાણે એમ છે કે લેબર કાર્ડ હેઠળ શ્રમ વિભાગમાં નોંધાયેલા મજૂરોના આકસ્મિક મૃત્યુ પર રૂ. 4 લાખ, કુદરતી મૃત્યુ પર રૂ. 2 લાખ અને મુખ્યમંત્રીના કન્યા વિવાહ યોજના હેઠળ બે પુત્રીઓનાં લગ્ન માટે શ્રમ વિભાગ તરફથી રૂ. 50,000ની ગ્રાન્ટ આપવામાં આવે છે. મોતિહારીના કોટવા બ્લોકમાં આવા ઘણા કિસ્સા પ્રકાશમાં આવ્યા છે જેમાં ગેરકાયદે પૈસા ઉપાડવામાં આવ્યા છે.

આ પણ વાંચો : પટનામાં સેનામાં ભરતીની દોડ માટે ઉમટ્યા 30,000 યુવાનો, મોકો ન મળતાં કર્યો હંગામો

આવા કિસ્સામાં પત્નીની ઉંમર 21 વર્ષ છે, પરંતુ દંપતીની પુત્રી 18 વર્ષની છે. મતલબ કે માત્ર 3 વર્ષની ઉંમરે મહિલાએ એક પુત્રીને જન્મ આપ્યો. આ દીકરીના નામે સરકારી નાણાં પણ ઉપાડી લેવામાં આવ્યા હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. એ જ રીતે સ્ત્રીની ઉંમર 25 વર્ષ છે. જ્યારે દીકરીની ઉંમર 18 વર્ષની છે. મતલબ કે તે મહિલા 7 વર્ષની ઉંમરે માતા બની હતી. એવી મહિલાઓ પણ છે જેઓ પોતે માને છે કે તેમને બાળક નથી, પરંતુ વિભાગે ઉદારતાથી તેમને તેમની પુત્રીના નામે સરકારી યોજનાનો લાભ આપ્યો છે.

વહીવટી વિભાગ કરી રહ્યો છે ઈનકાર

શ્રમ સંસાધન વિભાગમાં કૌભાંડની શક્યતા સાથે જોડાયેલી અમુક ઘટનાઓ મોટા નાણાકીય ગોટાળાનો અણસાર માનવામાં આવે છે. મોતિહારીથી બહાર આવતા આ સમાચારથી વહીવટી વિભાગમાં ખળભળાટ મચી ગયો છે. જો કે વિભાગીય અધિકારીઓ ખોટી રીતે ચૂકવણીનો ઇન્કાર કરી રહ્યા છે.

મીડિયા અહેવાલોમાં આપેલી અમુક કેસની વિગતો જોઈએ તો રોહુઆના મછરગાંવ બ્લોક કોટવા ખાતે રહેતા ગુડ્ડુ શર્માએ તેમની પુત્રીનાં લગ્ન માટે શ્રમ વિભાગ પાસેથી 50 હજાર રૂપિયાની ગ્રાન્ટ લીધી છે. જ્યારે તેમની અરજીમાં સ્પષ્ટ લખ્યું છે કે તેમની પત્નીની ઉંમર હાલમાં 21 વર્ષ છે. તો શું એ શક્ય છે કે 21 વર્ષની મહિલા 18 વર્ષની દીકરીની માતા હોય.

બીજા કેસમાં કોટવા, પુરાનીડીહના રહેવાસી રાજકુમાર શર્માને પણ શ્રમ વિભાગ તરફથી મુખ્યમંત્રી કન્યા વિવાહ યોજના હેઠળ 50 હજાર રૂપિયાની ગ્રાન્ટ મળી છે. તેમની અરજીમાં પણ તેમની પત્ની સુનીતા દેવીની ઉંમર માત્ર 25 વર્ષ છે. તો પછી 25 વર્ષની મહિલા 18 વર્ષની દીકરીની માતા કેવી રીતે બની?

કોટવા, કરરિયાના રહેવાસી સ્વર્ગસ્થ સુનિલ કુશવાહાની પત્ની ઉષા દેવીએ પોતાની વંશાવળીમાં માહિતી આપી છે કે તેમને કોઈ પુત્રી નથી. તેમને ચાર પુત્રો છે. તો પછી શ્રમ વિભાગે તેમને તેમની પુત્રીના લગ્ન માટે 50 હજાર રૂપિયાની ગ્રાન્ટ કેવી રીતે આપી.

આવા સવાલોના જવાબમાં અહીંના શ્રમ અધિકક્ષ અનિલ કુમાર સિંહે આ આક્ષેપોને પાયાવિહોણા ગણાવ્યા છે અને આવી કોઈ ધનરાશિ આપવામાં ન આવવાનું મીડિયા સાથે વાત કરતા જણાવ્યું છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button