
પટના: બિહારના મુખ્યપ્રધાન નીતિશ કુમારની આગેવાની હેઠળની સરકારના પ્રધાનમંડળમાં વિભાગોની વહેંચણી કરવામાં આવી છે, જેમાં પૂર્વ મુખ્યપ્રધાન અને હિન્દુસ્તાન આવામ મોરચા(HAM) ના પ્રમુખ જીતન રામ માંઝીના દીકરા સંતોષ સુમનને અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ કલ્યાણ વિભાગ ફાળવવામાં આવ્યો છે. આ અંગે જીતનરામ માંઝીએ અસંતોષ વ્યક્ત કર્યો હતો. તેમણે ફરી એકવાર BJP-JDU પર દબાણ વધારતા કહ્યું કે અમારું પેટ એક રોટલીથી નહીં ભરાય, અમને ઓછામાં ઓછી બે રોટલી આપો.
જીતનરામ માંઝીએ કહ્યું, “અમારું પેટ એક રોટલીથી ભરતું નથી. અમે 2-3 રોટલી માંગીશું. અમને ઓછામાં ઓછી 2 રોટલી આપો. જો અમારે ગરીબો માટે કામ કરવું હોય તો અમારે પણ સારો વિભાગ જોઈએ. અમારા નેતા પાસે આ માટે માંગણી કરી છે.” જીતનરામ માંઝીએ અસંતોષ કહ્યું કે, “હું જ્યારે પ્રધાન હતો ત્યારે મને આ જ વિભાગ મળ્યો હતો અને મારા પુત્ર સંતોષને પણ SC-ST કલ્યાણ વિભાગ મળ્યો છે. તેમણે પૂછ્યું. – શું અમે રોડ કન્સ્ટ્રક્શન અને બિલ્ડિંગ કન્સ્ટ્રક્શન ડિપાર્ટમેન્ટનું કામ ન કરી શકીએ? હું આનાથી દુઃખી છું.”.
અત્રે ઉલ્લેખનીય છે કે મહાગઠબંધન સામે બળવો કરીને 28 જાન્યુઆરીએ નીતિશ કુમારે NDA સાથે મળીને સરકાર બનાવી હતી. નીતિશ કુમાર 9મી વખત સીએમ બન્યા છે. બે ડેપ્યુટી સીએમ સમ્રાટ ચૌધરી અને વિજય કુમાર સિન્હાને બીજેપી ક્વોટામાંથી બનાવવામાં આવ્યા છે. આ સિવાય 5 અન્ય પ્રધાનોઓએ શપથ લીધા. સંતોષ સુમનને પણ HAM ક્વોટામાંથી પ્રધાન બનાવવામાં આવ્યા હતા.
વિભાગોની વહેંચણી થઈ ત્યારે નીતિશ કુમારે ગૃહ વિભાગ પોતાની પાસે રાખ્યું હતું. આ સિવાય સામાન્ય વહીવટ, કેબિનેટ સચિવાલય, મોનિટરિંગ, ચૂંટણી અને આવા તમામ વિભાગો કોઈને ફાળવવામાં આવ્યા નથી. સમ્રાટ પાસે નાણાં, વાણિજ્યિક કર, શહેરી વિકાસ અને આવાસ, આરોગ્ય, રમતગમત, પંચાયતી રાજ, ઉદ્યોગ, પશુ અને મત્સ્ય સંસાધન, કાયદો વિભાગો છે. જ્યારે વિજય સિંહાને કૃષિ, માર્ગ બાંધકામ, મહેસૂલ અને જમીન સુધારણા, શેરડી ઉદ્યોગ, ખાણ અને ભૂસ્તરશાસ્ત્ર, શ્રમ સંસાધન, કલા સંસ્કૃતિ અને યુવા, લઘુ જળ સંસાધન, જાહેર આરોગ્ય એન્જિનિયરિંગ વિભાગો આપવામાં આવ્યા છે.