બિહારમાં નીતિશ કુમાર એનડીએ વિધાનસભા પક્ષના નેતા તરીકે ચૂંટાયા, 10મી વાર સીએમ તરીકે શપથ લેશે…

પટના: બિહારમાં નીતિશ કુમારને એનડીએ વિધાનસભા પક્ષના નેતા તરીકે ચૂંટવામાં આવ્યા છે. જેના પગલે નીતિશ કુમાર 10મી વાર બિહારના સીએમ તરીકે શપથ લેશે. જેમાં બિહારના એનડીએની જીત બાદ સરકાર રચનાની કવાયત હાથ ધરવામાં આવી હતી. જેમાં આજે સીએમ નીતિશ કુમારના નિવાસ સ્થાને મળેલી જેડીયુની બેઠકમાં તેમને પક્ષના વિધાનસભા પક્ષના નેતા તરીકે ચૂંટવામાં આવ્યા છે. જયારે ભાજપના ધારાસભ્યોએ સમ્રાટ ચૌધરીને વિધાનસભા પક્ષના નેતા અને વિજય સિંહાને ઉપનેતા તરીકે ચૂંટ્યા છે.
11.30 વાગે સીએમ તરીકે શપથ લેશે
આ અંગે મળતી માહિતી મુજબ નીતિશ કુમાર બેઠક પૂર્ણ થયા બાદ રાજભવન જશે.નીતિશ કુમાર રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાનને પોતાનું રાજીનામું સુપરત કરશે. તેમજ નવી સરકાર બનાવવાનો દાવો કરશે. નીતિશ કુમાર બિહારના મુખ્યમંત્રી તરીકે 10મી વાર શપથ લેશે. તેમજ ગુરુવારે સવારે 11.30 વાગે સીએમ તરીકે શપથ લેશે. જયારે ભાજપના નેતા સમ્રાટ ચૌધરી અને વિજય સિંહાને નાયબ મુખ્યમંત્રી બનાવવામાં આવશે.
એનડીએમાં પાવર શેરિંગની ફોર્મ્યુલા પણ નક્કી
સુત્રોના જણાવ્યા અનુસાર એનડીએમાં પાવર શેરિંગની ફોર્મ્યુલા પણ નક્કી કરી લેવામાં આવી છે. જેની યાદી આજે સાંજે સુધી જાહેર થઈ શકે છે. જેમાં એનડીએના સાથી પક્ષોને યોગ્ય સ્થાન આપવામાં આવી શકે છે.
એનડીએ 202 બેઠક મેળવી સત્તા જાળવી રાખી
ઉલ્લેખનીય છે કે બિહાર વિધાનસભા ચૂંટણીના પરિણામો 14 નવેમ્બરના રોજ જાહેર થયા હતા. જેમાં એનડીએએ શાનદાર પ્રદર્શન કર્યું હતું. ભાજપ 89 બેઠકો સૌથી મોટા પક્ષ તરીકે ઉભરી આવ્યો હતો. નીતિશ કુમારની જેડીયુ 85 બેઠકો જીતીને બીજા ક્રમે રહી હતી.જયારે ચિરાગ પાસવાનની પાર્ટી લોક જનશક્તિએ 19 બેઠકો જીતી હતી. જીતન રામ માંઝીની હિન્દુસ્તાની અવમ મોરચાએ પાંચ બેઠકો જીતી હતી. ઉપેન્દ્ર કુશવાહાની રાષ્ટ્રીય લોક મોરચાએ ચાર બેઠકો જીતી હતી. બીજી તરફ મહાગઠબંધને ફક્ત 35 બેઠકો પર વિજય મેળવ્યો હતો.



