
પટના: બિહાર વિધાનસભા ચૂંટણીમાં એનડીએની જીત બાદ હવે સરકાર રચનાની કવાયત તેજ કરવામાં આવી છે. જે અંતર્ગત સીએમ નીતિશ કુમાર બુધવારે રાજ્યપાલને મળીને રાજીનામું સુપત્ર કરશે. તેથી નવી સરકારની રચનાનો માર્ગ મોકળો થશે. સુત્રોના જણાવ્યા અનુસાર, નીતિશ કુમાર 20 નવેમ્બરના રોજ દસમી વખત બિહારના મુખ્યમંત્રી તરીકે શપથ લઈ શકે છે. આ શપથવિધિમાં તેમની સાથે એનડીએના પાંચ પક્ષના આશરે 20 મંત્રી પણ શપથ લેશે તેવી સંભાવના છે.
રાજકીય ગતિવિધિઓ તેજ
જયારે એનડીએ વિધાનસભા પક્ષની બેઠક બુધવારે બપોરે 3. 30 વાગ્યે બિહાર વિધાનસભાના સેન્ટ્રલ હોલમાં યોજાશે. જેમાં નીતિશ કુમારને એનડીએ વિધાનસભા પક્ષના નેતા તરીકે ચૂંટવામાં આવે તેવી શક્યતા છે. હાલ બિહારમાં સરકારની રચના અને મંત્રીમંડળની યાદીને અંતિમ સ્વરૂપ આપવા માટે રાજકીય ગતિવિધિઓ તેજ થઈ છે. આજે ભાજપના ચૂંટણી પ્રભારી ધર્મેન્દ્ર પ્રધાન પટના પહોંચી ગયા છે.
ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત
આ ઉપરાંત સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, જેડીયુના કાર્યકારી પ્રમુખ સંજય ઝા અને કેન્દ્રીય મંત્રી લલ્લન સિંહે દિલ્હીમાં ભાજપના નેતા અને ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરી હતી, જેમાં શપથ લેનારા મંત્રીઓની સંખ્યા અને યાદી અંગે ચર્ચા થઈ હતી.નીતિશની નવી સરકારમાં નાયબ મુખ્યમંત્રીઓની સંખ્યા અને નેતા અંગે પણ અમિત શાહ સાથે ચર્ચા થવાની શક્યતા છે. અમિત શાહ બુધવારે સાંજે પટના જવાના છે. એવું માનવામાં આવે છે કે, તેમના આ પ્રવાસ બાદ ભાજપના મંત્રીઓની યાદીને અંતિમ સ્વરૂપ આપવામાં આવશે.
પરિણામો 14 નવેમ્બરના રોજ જાહેર થયા હતા
ઉલ્લેખનીય છે કે બિહાર વિધાનસભા ચૂંટણીના પરિણામો 14 નવેમ્બરના રોજ જાહેર થયા હતા. જેમાં એનડીએએ શાનદાર પ્રદર્શન કર્યું હતું. ભાજપ 89 બેઠકો સૌથી મોટા પક્ષ તરીકે ઉભરી આવ્યો હતો. નીતિશ કુમારની જેડીયુ 85 બેઠકો જીતીને બીજા ક્રમે રહી હતી.
લોક જનશક્તિ પાર્ટીએ 19 બેઠકો જીતી હતી
જયારે ચિરાગ પાસવાનની પાર્ટી લોક જનશક્તિએ 19 બેઠકો જીતી હતી. જીતન રામ માંઝીની હિન્દુસ્તાની અવમ મોરચાએ પાંચ બેઠકો જીતી હતી. ઉપેન્દ્ર કુશવાહાની રાષ્ટ્રીય લોક મોરચાએ ચાર બેઠકો જીતી હતી. બીજી તરફ મહાગઠબંધને ફક્ત 35 બેઠકો પર વિજય મેળવ્યો હતો.



