બિહારમાં એનડીએ સીએમ પદના ચહેરા વિના જ ચૂંટણી લડશે, ગૃહમંત્રી અમિત શાહે આપ્યા સંકેત

નવી દિલ્હી : બિહાર વિધાનસભા ચૂંટણી માટે એનડીએ બેઠક વહેંચણીની પ્રકિયા પૂર્ણ કરી લીધી છે. તેમજ અનેક પક્ષોએ ઉમેદવાર પર જાહેર કરી દીધા છે. જોકે, આ દરમિયાન બિહારના એનડીએના સીએમ પદના ચહેરા હજુ પણ રહસ્ય અકબંધ છે. જોકે, આ અંગે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સીએમ પદના ચહેરા વિના જ ચૂંટણી લડવાના સંકેત આપ્યા છે.
બિહારના લોકોને પણ નીતિશ કુમાર પર સંપૂર્ણ વિશ્વાસ
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે એક ટીવી ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં નીતિશ કુમારને સીએમ બનાવવાના સવાલ પર જણાવ્યું હતું કે, હું કોઈને મુખ્યમંત્રી નથી બનાવતો. આ ઘણા બધા પક્ષોનું ગઠબંધન છે. બિહાર ચૂંટણી પછી જ્યારે બધા પક્ષો એક થાય છે અને ધારાસભ્ય પક્ષના નેતાઓ મળે છે ત્યારે નેતા નક્કી કરવામાં આવશે. જોકે તેમણે એમ પણ કહ્યું કે એનડીએ નીતિશ કુમારના નેતૃત્વમાં ચૂંટણી લડી રહ્યું છે. તેમજ માત્ર ભાજપ જ નહીં પરંતુ બિહારના લોકોને પણ નીતિશ કુમાર પર સંપૂર્ણ વિશ્વાસ છે. તેમજ મુખ્યમંત્રી પદના ઉમેદવારનો નિર્ણય ધારાસભ્ય પક્ષના નેતાઓ દ્વારા જ લેવામાં આવશે.
આ ઉપરાંત એનડીએના ઘટક દળના નેતા જીતન રામ માંઝીએ કહ્યું, “આ નિર્ણય ચૂંટણી પહેલા લેવો જોઈતો હતો. જોકે, દરમિયાન ગૃહમંત્રી અમિત શાહના નિવેદન બાદ રાજકારણ ગરમાયું. કોંગ્રેસે અમિત શાહનું નિવેદન સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યું અને લખ્યું કે નીતિશ કુમાર મુખ્યમંત્રી નહીં બને.
જેડીયુએ કહ્યું એનડીએમાં કોઈ વિવાદ નથી
ઉલ્લેખનીય છે કે, આ ઉપરાંત શુક્રવારે સવારે ગૃહમંત્રી અમિત શાહે બિહારના સીએમ નીતિશ કુમાર સાથે તેમના નિવાસસ્થાને મુલાકાત કરી. જેની બાદ જેડીયુના કાર્યકારી પ્રમુખે બેઠક વિશે જણાવ્યું હતું કે આ બેઠકમાં બિહાર ચૂંટણી માટે પ્રચાર વ્યૂહરચના પર વિગતવાર ચર્ચા કરવામાં આવી. હવે સમય ઓછો છે, તેથી ઘણા મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી. એનડીએમાં કોઈ વિવાદ નથી. અમે એક છીએ અને નીતિશ કુમાર જ મુખ્યમંત્રી પદનો ચહેરો છે.
આપણ વાંચો: છત્તીસગઢમાં 208 નક્સલીઓએ આત્મસમર્પણ કર્યું, ઉત્તર બસ્તરમાં આતંકનો અંત આવશે