બે લાખ આપો અને IPS ઓફિસર બની જાવ, બિહારમાં નોકરીના નામે છેતરપિંડી
બિહારના જમુઇથી નોકરીના નામે છેતરપિંડીનો એક મોટો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અહીં છેતરપિંડી કરનારાઓ બે લાખ લઇને કોઇને પણ ટ્રેઇની આઇપીએસ ઓફિસર બનાવી દે છે. પોલીસે હાલમાં આ સમગ્ર મામલાની તપાસ શરૂ કરી છે.
બિહારના જમુઈ જિલ્લામાં એક યુવક નકલી IPS યુનિફોર્મ પહેરીને ફરતો હતો. શંકા જતા પોલીસે યુવકની ધરપકડ કરી હતી. યુવકની ઓળખ જમુઈના રહેવાસી મિથિલેશકુમાર તરીકે થઈ છે. યુવકે પોલીસને જણાવ્યું હતું કે તે મોટી છેતરપિંડીનો ભોગ બન્યો છે.
ધરપકડ કરાયેલા યુવકના જણાવ્યા અનુસાર ખૈરા વિસ્તારમાં રહેતા મનોજે પોલીસમાં નોકરી અપાવવા માટે તેનો સંપર્ક કર્યો હતો. મનોજે તેને ખાતરી આપી હતી કે તે તેને માત્ર 2 લાખ રૂપિયામાં પોલીસમાં નોકરી અપાવી દેશે. મનોજની વાત માનીને મિથિલેશકુમારે તેને બે લાખ રૂપિયા આપ્યા હતા. પરંતુ ખરેખર નોકરી ન આપતા તેને માત્ર નકલી આઈપીએસ અધિકારીનો યુનિફોર્મ આપવામાં આવ્યો હતો. મનોજે તેને IPS યુનિફોર્મ પહેરાવ્યો અને નકલી પિસ્તોલ પણ આપી અને તેને વિશ્વાસ અપાવ્યો કે તે હવે પોલીસ અધિકારી બની ગયો છે. આ છેતરપિંડીથી સાવ અજાણ મિથિલેશકુમાર IPS યુનિફોર્મ પહેરીને મનોજને મળવા જતો હતો ત્યારે પોલીસે તેની ધરપકડ કરી હતી.
મિથિલેશકુમારે પોતાના નિવેદનમાં સ્પષ્ટ જણાવ્યું હતું કે તેને ખબર ન હતી કે તેણે નકલી યુનિફોર્મ પહેર્યો છે. તેને પૂરી ખાતરી હતી કે તે પોલીસમાં જોડાઇ ગયો છે અને ટૂંક સમયમાં તેને નોકરી માટે બોલાવવામાં આવશે. પરંતુ આ અપેક્ષાના બદલામાં તે માત્ર છેતરાઈ ગયો હતો. જમુઈ પોલીસે આ કેસની તપાસ શરૂ કરી છે અને મનોજને પકડવા માટે ઝુંબેશ શરૂ કરી છે. જોકે, હજુ સુધી આરોપી મનોજ સિંહનો કોઈ પત્તો લાગ્યો નથી. મિથિલેશકુમાર પાસેથી પોલીસ લખેલી પલ્સર બાઇક પણ મળી આવી છે. તેની પાસેથી બે લાખ રૂપિયાનો ચેક પણ મળી આવ્યો છે. પોલીસ અધિકારીઓનું કહેવું છે કે આવા કિસ્સાઓમાં લોકોએ સાવચેતી રાખવી જોઈએ અને કોઈપણ પ્રકારના ખોટા વચનોથી બચવું જોઇએ.