
પટના: ગત મોડી રાત્રે બિહારના લખીસરાઈમાં એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો હતો. સિકંદરા મુખ્ય માર્ગ પર બિહારૌરા ગામ પાસે, એક ઓટોને અજાણ્યા વાહને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં ઓટોમાં સવાર 9 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા અને જયારે 6 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. તમામ ઈજાગ્રસ્તોને હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે, અહેવાલો મુજબ ઘાયલોની હાલત નાજુક છે. મૃત્યુઆંક વધી શકે છે.
મોબાઈલ ફોનના આધારે પોલીસ મૃતકની ઓળખ કરવાનો પ્રયાસ કરી રહી છે. જાણકારી મુજબ દુર્ઘટના સમયે ઓટોમાં લગભગ 15 લોકો સવાર હતા, જેમાંથી 9 લોકોએ જીવ ગુમાવ્યો છે. મૃતકોમાંથી 8 લોકો મુંગેર જિલ્લાના જમાલપુર વિસ્તારના રહેવાસી છે. આ તમામ લોકો કેટરિંગનું કામ કરતા હતા, જેઓ કામ કરીને સિકંદરાથી લખીસરાઈ આવતા હતા.
ઈજાગ્રસ્તોની પટનામાં સારવાર ચાલી રહી છે, તમામની હાલત અત્યંત નાજુક હોવાના અહેવાલ છે. મૃત્યુઆંક વધી શકે છે. આ ઘટના અંગે પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે આ ઘટના ઝુલના ગામ પાસે બની હતી. લોકો ઓટોમાં લખીસરાય આવી રહ્યા હતા. તમામ મૃતકો મુંગેર અને લખીસરાયના રહેવાસી હતા. આ અકસ્માતની માહિતી તેના પરિવારજનોને આપવામાં આવી છે. પોલીસ અધિકારીએ કહ્યું કે આ એક ગંભીર અકસ્માત છે, તેની તપાસ કરવામાં આવશે અને યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે.