બિહારમાં ફરી થશે ‘ખેલા’? નીતિશ કુમારના મૌન અને એકનાથ શિંદેને શું સંબંધ?
પટનાઃ મોટેભાગે કોઈ રાજકારણી કે નેતા કંઈક બોલી દે તો રાજકીય ખળભળાટ મચે છે, પરંતુ બિહારમાં માહોલ અલગ છે. મુખ્ય પ્રધાન નીતિશ કુમારનું મૌન અહીં અટકળોનું કારણ બન્યું છે.
હકીકત એમ છે કે બિહાર બિઝનેસ કનેક્ટમાં સીએમ નીતિશનો કાર્યક્રમ અચાનક રદ્દ થયા બાદ સમાચાર આવ્યા કે નીતિશ કુમારની તબિયત ખરાબ છે, પરંતુ નીતિશને ઓલખતા લોકોનું માનવાનું છે કે આ તોફાન પહેલાની શાંતિ હોઈ શકે. નીતિશ કુમાર કંઈક મોટો નિર્ણય લેવાના મૂડમાં હોય તેમ પણ બની શકે.
આ પણ વાંચો: ‘સરકાર બનાવવામાં થોડું જલ્દી કરો….’ NDAની બેઠકમાં નીતિશ કુમારે આવું કેમ કહ્યું? NDAમાં ફૂટ પડી શકે છે?
વળી, આ અટકળ દરમિયાન આરજેડીના ધારાસભ્ય અને નીતિશના નજીકના મંત્રી વચ્ચે ગુપ્ત બેઠકના સમાચાર વાયુવેગે ફેલાતા ફરી કોઈ ખેલો થશે કે શું તેવી ચર્ચા થવાનું સ્વાભાવિક છે.
સીએમ હાઉસમાં સન્નાટો
નીતિશ કુમારે બિઝનેસ કનેક્ટમાં ઓમઓયુ સાઈન કરવા સુદ્ધા રસ ન દાખવ્યો અને અગાઉ આવતીકાલથી તેની રેલી શરૂ થવાની જાહેરાત કરવામાં આવી હતી, પરંતુ સીએમ હાઉસમાંથી આવો કોઈ સંદેશ આવ્યો નથી. સીએમ હાઉસમાં શાંતિ છે અને અધિકારીઓમાં પણ આ વિષય ચર્ચાઈ રહ્યો છે.
એકનાથ શિંદે સાથે શું છે સંબંધ
મહારાષ્ટ્રમાં એકનાથ શિંદેએ મુખ્ય પ્રધાનપદ પરથી હાથ ધોવા પડ્યા છે અને હવે તો ગૃહ ખાતુ પણ મળ્યું નથી. એવામાં ગૃહ પ્રધાન અમિત શાહે એવું નિવેદન આપ્યું હતું કે મુખ્ય પ્રધાનનો ચહેરો સંસદીય સમિતિમાં નક્કી થશે. જોકે બિહારમાં ભાજપે વાત વાળી લીધી અને યુતીનો ચહેરો નીતિશ કુમાર જ હોવાનું હાલમાં તો કહે છે.
બીજું બાજુ આરજેડી અને જેડીયુના વિધાનસભ્યો વચ્ચે નીકટતા વધતી હોય તેમ દેખાઈ રહ્યું છે જે ભાજપને ખતરો લાગી રહ્યું છે.
આ બધી સ્થિતિ બિહારમાં ચૂંટણી પહેલા કોઈ નવા તોફાનના સંકેત હોવાનું રાજકીય પંડિતો કહી રહ્યા છે.