Bihar fire: બિહારમાં લગ્નનો ઉલ્લાસ માતમમાં ફેરવાયો, આતિશબાજીને કારણે આગ લગતા એક પરિવારના 6 સભ્યોના મોત
દરભંગા: ગઈ કાલે બિહાર(Bihar)ના પટનાની પાલ હોટલમાં આગના બનાવમાં છ લોકોના મોત બાદ ગત મોડી રાત્રે બિહારના દરભંગામાં આગની ગોઝારી ઘટના(Darbhanga fire) બની. આ ઘટનામાં એક જ પરિવારના છ સભ્યોના મોત થતા સમગ્ર વિસ્તારમાં અરેરાટી ફેલાઈ ગઈ છે.
અહેવાલ મુજબ, ગુરુવારે મધરાતે લગ્ન સમારોહમાં આતિશબાજી કારણે નીકળેલા તણખાને કારણે મંડપમાં આગ લાગી હતી. આ દરમિયાન ત્યાં રાખેલા સિલિન્ડર બ્લાસ્ટ થવા લાગ્યા. ત્યાર બાદ ભડકેલી આગ બાજુમાં આવેલા ઘર પાસે પડેલા ડીઝલના બેરલ સુધી પહોંચતા આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. જેના કારણે એક જ પરિવારના છ લોકો મૃત્યુ પામ્યા હતા. કેટલાક લોકોની હાલત ગંભીર છે.
આ ઘટના દરભંગા જિલ્લાના અલીનગર બ્લોકના બહેરા પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળ આવતા અંતોર ગામમાં બની હતી. અહેવાલ મુજબ છગન પાસવાન નામના ગ્રામજનની પુત્રીના લગ્ન હતા. લગ્નના મહેમાનોના રહેવા અને ભોજનની વ્યવસ્થા પડોશી રામચંદ્ર પાસવાનના ઘરમાં કરવામાં આવી હતી.
લગ્નના મહેમાનો આવ્યા અને ફટાકડા ફોડવા લાગ્યા. જેના કારણે મંડપમાં આગ લાગી હતી. ત્યાર બાદ સિલિન્ડર અને ડીઝલના ગેલનમાં વિસ્ફોટ થતાં આગએ વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને થોડી જ વારમાં રામચંદ્ર પાસવાનનું ઘર આગની ઝપેટમાં આવી ગયું. ઘરમાં હાજર પરિવારે કશું સમજે એ પહેલા આગ તમામ રૂમમાં ફેલાઈ ગઈ હતી.
સ્થાનિક લોકોએ આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ શરૂ કર્યો હતો પરંતુ સફળતા મળી ન હતી. ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચે એ પહેલા રામચંદ્ર પાસવાનના ઘરમાં હાજર છ લોકોને આગ ભરખી ગઈ હતી. મૃતકોમાં રામચંદ્ર પાસવાનના પુત્ર સુનીલ પાસવાન, તેમની પત્ની અને બહેન કંચન દેવી અને તેમના બે પુત્રો અને એક પુત્રીનો સમાવેશ થાય છે.