બિહારમાં નવી સરકારની રચનાની કવાયત શરુ, નીતિશ કુમાર રાજીનામું આપશે

બિહારમાં એનડીએ જીત બાદ હવે નવી સરકારની રચનાની કવાયત શરુ કરી દેવામાં આવી છે. જે અંતર્ગત આગામી 48 કલાક બિહારના રાજકારણ માટે મહત્વના છે. જેમાં બિહારના સીએમ નીતિશ કુમાર સોમવારે પદ પરથી રાજીનામું આપી શકે છે જેથી નવી સરકારની રચનાનો માર્ગ મોકળો બની જાય. સોમવારે અંતિમ કેબિનેટ બેઠકની અધ્યક્ષતા બાદ નીતિશ કુમાર રાજભવન જશે અને રાજ્યપાલને રાજીનામું સોંપશે. તેમજ આગામી સરકાર સુધી તે કાર્યવાહક મુખ્યમંત્રી રહેશે.
મુખ્યમંત્રી નામ પર સસ્પેન્સ ઉભું
બિહાર વિધાનસભા ચૂંટણીમાં એનડીએની જીત બાદ મુખ્યમંત્રી નામ પર ચર્ચાઓ તેજ થઈ છે. જેમાં એનડીએ આ વખતે મુખ્યમંત્રી પદના નામ વિના ચૂંટણી લડી હતી.જેના લીધે નીતિશ કુમાર સિવાય અન્ય નામોની પણ અટકળો લગાવવામાં આવી રહી છે. જેમાં ભાજપ 89 બેઠક સાથે સૌથી મોટી પાર્ટી બની છે. જયારે નીતિશ કુમારની જેડીયુએ 85 બેઠક મેળવી છે. જેના લીધે મુખ્યમંત્રી નામ પર સસ્પેન્સ ઉભું થયું છે.
એનડીએના ધારાસભ્ય દળની બેઠકમાં નેતાની પસંદગી કરવામાં આવશે
આ દરમિયાન ભાજપ સોમવારે વિધાયક દળની બેઠક બોલાવી શકે છે. જેની માટે ભાજપ આજે સાંજે અથવા કાલે સવારે કેન્દ્રીય નિરીક્ષકોની નિમણૂકની જાહેરાત કરે તેવી શક્યતા છે. જયારે બીજી તરફ જેડીયુ પણ સોમવારે ધારાસભ્યોની બેઠક યોજે તેવી શક્યતા છે. આ ઉપરાંત તેની બાદ એનડીએના ધારાસભ્ય દળની બેઠક યોજવામાં આવશે. જેમાં સર્વસંમતીથી વિધાયક દળના નેતાની પસંદગી કરવામાં આવશે.
નીતિશ કુમારની પાર્ટી જેડીયુને 85 બેઠક મળી
નીતિશ કુમારની પાર્ટી જેડીયુને 85 બેઠક મળી છે. જયારે નીતિશ કુમાર પોતે એમએલસી છે પોતે ચૂંટણી લડ્યા ન હતા. પરંતુ તેમના પ્રભાવના લીધે પાર્ટીએ સારું પરફોર્મન્સ કર્યું છે તેવું માનવામાં આવે છે. તેમજ તેમના શાસન લોકો ખુશ છે જેના લીધે આટલી બેઠકો મળી શકી છે. તેમજ નીતિશ કુમારના 29માંથી 28 મંત્રીઓ ચૂંટણી જીત્યા છે.
આપણ વાંચો: લાલુના પરિવારમાં ડખો કરાવનારા રમીઝ ખાન કોણ છે ? સંજય યાદવ પણ ચર્ચામાં



