
પટનાઃ બિહાર વિધાનસભા ચૂંટણી પહેલા મોટા સમાચાર પ્રકાશમાં આવ્યાં છે. આરજેડીએ પોતાના જ નેતાઓ સામે મોટી કાર્યવાહી કરી છે. આરજેડીએ 27 નેતાઓ સામે પક્ષ વિરોધી પ્રવૃત્તિઓમાં સામેલ થવા બદલ કાર્યવાહી કરી છે. આ તમામ 27 નેતાઓને પક્ષમાંથી કાઢી નાખવામાં આવ્યાં છે. મહત્વની વાત એ છે કે, પાર્ટીએ જેમની સામે કાર્યવાહી કરી છે તેમાં અનેક ધારાસભ્યો, પૂર્વ ધારાસભ્યો અને અનેક પદાધિકારીઓનો પણ સામેલ છે.
દરેક નેતાઓ સામે પક્ષ વિરોધી પ્રવૃત્તિઓ કરવાનો આરોપ
વિગતે વાત કરવામાં આવે કો, આરજેડીએ પારસાના ધારાસભ્ય છોટેલાલ રાય, આરજેડી મહિલા પાંખના પ્રદેશ અધ્યક્ષ રિતુ જયસ્વાલ, પૂર્વ ધારાસભ્ય રામ પ્રકાશ મહતો, પૂર્વ ધારાસભ્ય અનિલ સાહની, પૂર્વ ધારાસભ્ય સરોજ યાદવ, ધારાસભ્ય મોહમ્મદ કામરાન અને પૂર્વ ધારાસભ્ય અનિલ યાદવને છ વર્ષ માટે પાર્ટીમાંથી હાંકી કાઢ્યા છે.
આ નેતાઓને 6 વર્ષ માટે પાર્ટીમાંથી હાંકી કાઢવામાં આવ્યાં
આરજેડી પાર્ટી દ્વારા એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો તેમાં અક્ષય લાલ યાદવ, રામસખા મહતો, અવનીશ કુમાર, ભગત યાદવ, મુકેશ યાદવ, સંજય રાય, કુમાર ગૌરવ, રાજીવ કુશવાહા, મહેશ પ્રસાદ ગુપ્તા, વકીલ પ્રસાદ યાદવ, પૂનમ દેવી ગુપ્તા, સુબોધ યાદવ, સુરેન્દ્ર પ્રસાદ યાદવ, નીરજ રાય. અનિલ ચંદ્ર કુશવાહા, અજીત યાદવ, મોતી યાદવ, રામનરેશ પાસવાન અને અશોક ચૌહાણને પણ 6 વર્ષ માટે પાર્ટીમાંથી કાઢી દેવામાં આવ્યાં છે. આ
બળવાખોર નેતાઓ સામે આરજેડી કરી મોટી કાર્યવાહી
આરજેડી પાર્ટીના પ્રદેશ પ્રમુખ મંગણી લાલ મંડલે આ નેતાઓને 6 વર્ષ માટે પાર્ટીમાંથી હાંકી કાઢતો પત્ર જારી કર્યો છે. આ દરેક નેતાઓ સામે પક્ષ વિરોધી પ્રવૃત્તિઓ કરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. આ પહેલા નીતિશ કુમારની પાર્ટીએ પણ પોતાના પક્ષમાંથી પક્ષ વિરોધી પ્રવૃત્તિઓ કરતા નેતાઓને હાંકી કાઢ્યાં હતાં. બિહાર ચૂંટણીમાં અત્યારે દિવસેને દિવસે રાજકારણ ગરમાઈ રહ્યું છે.



