નેશનલ

બેતિયા બેઠક પરથી ભાજપનાં રેણુ દેવીનો વિજયઃ કોંગ્રેસના ગઢમાં ફરી ગાબડું પાડ્યું, વાશી અહેમદને હરાવ્યા

બેતિયાઃ બિહાર વિધાનસભા ચૂંટણી 2025નું આજે પરિણામ જાહેર થઈ રહ્યું છે. ભાજપ (ભારતીય જનતા પાર્ટી)ના ઉમેદવાર રેણુ દેવીએ બેતિયા બેઠક પરથી જીત મેળવી છે. રેણુ દેવીએ આ બેઠક પરથી શાનદાર જીત મેળવતા પાર્ટીમાં હર્ષની લાગણી જોવા મળી છે. રેણુ દેવીએ કોંગ્રેસના વાશી અહેમદને 17,000 મતના મોટા માર્જિનથી હરાવીને બેઠક જીતી છે. આ જીત સાથે રેણુ દેવીએ બેતિયામાં ભગવો લહેરાવ્યો છે. આ બેઠકને જીતવા માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા જોરદાર મહેનત કરતા કોંગ્રેસના ગઢમાં ગાબડું પાડવામાં સફળતા મળી છે. અહીંની સીટ પરથી કોંગ્રેસ નવ વખત જીત્યું છે, જ્યારે ભાજપ છ વખત જીત્યું છે.

કોંગ્રેસના વાશી અહેમદને રેણુ દેવીએ હરાવ્યાં

આ બેઠક પરથી કોંગ્રેસના વાશી અહેમદનો પરાજય થયો છે. વધારે વિગતે વાત કરવામાં આવે તો, બેતિયા વિધાનસભા બેઠક બિહારના પશ્ચિમ ચંપારણ જિલ્લામાં આવેલી છે. બેતિયા વિધાનસભામાં બેત્તિયા સમુદાય વિકાસ બ્લોક તેમજ મજૌલિયા બ્લોકની 18 પંચાયતોનો સમાવેશ થાય છે. આ વિસ્તારમાં બેત્તિયાની કુલ વસ્તી આશરે 4.92 લાખ જેટલી છે, જેમાંથી 258,925 પુરુષો અને 233,100 સ્ત્રીઓ છે. આ બેઠક પર વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે જીત મેળવી છે.

બેતિયા બેઠક પર ક્ષેત્રમાં કુલ 2,90,244 મતદાર છે

ચૂંટણી પંચ દ્વારા આપવામાં આવેલી આંકડા પ્રમાણે 1 જાન્યુઆરી 2024ની સ્થિતિ પ્રમાણે આ ક્ષેત્રમાં કુલ 2,90,244 મતદાતાઓ છે. જેમાંથી 1,53,120 પુરૂષ મતદાર અને 1,37,119 મહિલા મતદાતાઓ છે. રાજકીય રીતે જોવામાં આવે તો બેતિયા વિધાનસભા બેઠક ચૂંટણીમાં ચર્ચાનો વિષય રહે છે, કારણ કે અહીંની બેઠક પર ભારે રસાકસી જોવા મળતી હોય છે. અત્યાર સુધીમાં આ બેઠક પર કુલ મળીને 18 વખત ચૂંટણી યોજાઈ છે. આ બેઠક પરથી કોંગ્રેસ 9 વખત જીતી છે, જ્યારે 1990થી ભાજપએ ચૂંટણી લડવાનું શરૂ કર્યું હતું, જેથી ભાજપએ 6 વખત જીત મેળવી છે.

રેણુ દેવી આ બેઠક પરથી પાંચ વખત ધારાસભ્ય તરીકે ચૂંટાયા

ભાજપના વરિષ્ઠ નેતા અને ભૂતપૂર્વ નાયબ મુખ્ય પ્રધાન રેણુ દેવી આ બેઠક પરથી પાંચ વખત ધારાસભ્ય રહી ચૂક્યા છે. અહીં તેમનો દબદબો મજબૂત માનવામાં આવે છે, ખાસ કરીને મજબૂત મહિલા મતદારો અને સુસંગઠિત ભાજપ કાર્યકર્તાઓને કારણે તેમનું પ્રભુત્વ રહ્યું છે. કોંગ્રેસના ઉમેદવારો ગૌરીશંકર પાંડેએ આ બેઠક ચાર વખત અને જય નારાયણ પ્રસાદે બે વાર જીતી હતી. જોકે, અત્યારે 2025માં ફરી ભાજપએ આ બેઠક પરથી ભવ્ય વિજય મેળવતા અહીંની સીટ ચર્ચામાં આવી છે.

આપણ વાંચો:  બિહારમાં ચૂંટણી પરિણામોમાં મહાગઠબંધનને આંચકો, એનડીએમાં જીતનરામ માંઝીના પક્ષનું સારું પ્રદર્શન…

Vimal Prajapati

વિમલ પ્રજાપતિએ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિષય સાથે અનુસ્નાતક થયેલા છે. તેઓ ડિજિટલ મીડિયાનો 4 વર્ષનો અનુભવ છે અને અત્યારે મુંબઈ સમાચારમાં કન્ટેન્ટ રાઈટર તરીકે કામ કરી રહ્યાં છે.

સંબંધિત લેખો

Back to top button