સંદેશ, નબીનગર, અગિઆંવ અને રામગઢ બેઠકો પર હાર-જીતનું અંતર રદ થયેલા પોસ્ટલ વોટ કરતાં પણ ઓછું, શું પરિણામ બદલાઈ શકત?

પટણા: બિહાર ચૂંટણીના પરિણામોના વિસ્તૃત આંકડા બુધવારે ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવ્યા હતા, જેમાં કેટલાક રસપ્રદ તારણો સામે આવ્યા હતા. આ આંકડા દર્શાવે છે કે બિહારની અનેક બેઠકો પર હાર-જીતનું અંતર રદ કરાયેલા પોસ્ટલ વોટ્સની સંખ્યા કરતાં પણ ઓછું હતું.
જો આ પોસ્ટલ વોટ રદ ન થયા હોત તો આ બેઠકોના પરિણામો ધરમૂળથી બદલાઈ શક્યા હોત. સમગ્ર બિહારમાં 2,01,444 લોકોએ પોસ્ટલ વોટનો ઉપયોગ કર્યો હતો, જેમાંથી 23,918 પોસ્ટલ વોટ રદ કરવામાં આવ્યા હતા. સંકેશ, અગિઆંવ, નબીનગર અને રામગઢ જેવી બેઠકોના પરિણામો અને વોટિંગ પેટર્ન આ મુદ્દાને નિર્દેશ કરે છે.
આપણ વાચો: બિહાર ચૂંટણીના પરિણામોમાં એનડીએનો 202 બેઠક પર વિજય, ભાજપ 89 બેઠક સાથે સૌથી મોટી પાર્ટી
સંદેશ અને નબીનગર બેઠક સૌથી વધુ ચર્ચામાં
ઓછી સરસાઈથી હાર-જીત નોંધાયેલી બેઠકોમાં સંદેશ અને નબીનગર બેઠક મુખ્ય છે. સંદેશ બેઠક પર JDUના રાધા ચરણ સાહે RJDના દીપુ સિંહને માત્ર 27 વોટના નજીવા અંતરથી હરાવ્યા હતા, પરંતુ આ બેઠક પર 360 પોસ્ટલ વોટ રદ કરવામાં આવ્યા હતા, જે હાર-જીતના અંતર કરતાં 13 ગણા વધુ છે.
તેવી જ રીતે, ઔરંગાબાદ જિલ્લાની નબીનગર બેઠક પર JDUના ચેતન આનંદે RJDના આમોદ કુમાર સિંહને માત્ર 112 વોટના અંતરથી હરાવ્યા હતા, પરંતુ અહીં 132 પોસ્ટલ વોટ રદ થયા હતા. આ બંને કિસ્સાઓમાં, જો રદ કરાયેલા વોટની ગણતરી થઈ હોત, તો પરિણામ બદલાઈ જવાની પ્રબળ શક્યતા હતી.
આપણ વાચો: બિહાર ચૂંટણીના પરિણામો વચ્ચે નિફ્ટી-સેન્સેક્સ લાલ નિશાનમાં ખુલ્યા! વૈશ્વિક સંકેતોની અસર
ભોજપુરમાં ભાજપે સીપીઆઈના ઉમેદવારને 95 વોટથી હરાવ્યા
ભોજપુર જિલ્લાની અનામત બેઠક અગિઆંવ (SC) પર પણ આવો જ ટ્રેન્ડ જોવા મળ્યો. અહીં ભાજપ (ભારતીય જનતા પાર્ટી)ના મહેશ પાસવાને CPI(ML) લિબરેશનના શિવ પ્રકાશ રંજનને માત્ર 95 વોટના અંતરથી હરાવ્યા હતા. રસપ્રદ વાત એ છે કે અહીંની બેઠક પર પણ 175 પોસ્ટલ વોટ રદ થયા હતા.
આ ઉપરાંત, કેમુર જિલ્લાની રામગઢ બેઠક પર બહુજન સમાજ પાર્ટી (બસપા)એ અણધાર્યો વિજય મેળવ્યો હતો, જ્યાં BSPના સતીશ કુમાર સિંહ યાદવે BJPના અશોક કુમાર સિંહને માત્ર 30 વોટના અત્યંત ઓછા અંતરથી હરાવ્યા હતા. અહીં પણ 179 પોસ્ટલ વોટ રદ કરવામાં આવ્યા હતા, જે હાર-જીતના અંતર કરતાં અનેક ગણા વધારે છે.
આપણ વાચો: બિહાર ચૂંટણીના પરિણામો પર સટ્ટા બજારમાં હલચલ તેજ, જાણો કોણ ઓપરેટ કરે છે ફ્લોદી સટ્ટા બજાર ?
એક-એક મતનું ખાસ મહત્ત્વ હોય છે એ યાદ રાખો
આ આંકડાઓ ચૂંટણી પ્રક્રિયામાં પોસ્ટલ વોટ્સના મહત્ત્વ અને તેના રિજેક્શનના માપદંડો પર ગહન વિચારણા કરવાની જરૂરિયાત દર્શાવે છે. આ બેઠકો પર રદ કરાયેલા પોસ્ટલ વોટ્સની સંખ્યાએ સ્પષ્ટપણે દર્શાવ્યું કે એક-એક મતનું વિશેષ મહત્ત્વ છે અને જો આ વોટ રદ ન થયા હોત તો બિહારના રાજકીય નકશા પર મોટો ફેરફાર જોવા મળ્યો હોત.
ઉલ્લેખનીય છે કે નબીનગર, સંદેશ અને અગિઆંવ જેવી બેઠકો પર અનુક્રમે 4042, 4160 અને 3631 લોકોએ નોટા (નન ઓફ ધ અબોવ)નો વિકલ્પ પણ પસંદ કર્યો હતો.



