બિહારની ચૂંટણીની ચર્ચા પાકિસ્તાનમાં! પાકિસ્તાનના મોટા અખબારે કેમ બિહાર ચૂંટણીને પહેલા પાને છાપી?

નવી દિલ્હી: બિહાર વિધાનસભાની ચૂંટણીની દેશમાં ખૂબ ચર્ચા થઈ રહી છે. સામાન્ય રીતે એવું બને કે દેશમાં ચૂંટણીના સમયે પાકિસ્તાનની ચર્ચા થતી હોય પરંતુ તેનાથી ઊલટું બન્યું છે કારણ કે ચૂંટણીમાં પાકિસ્તાનની નહીં પરંતુ પાકિસ્તાનમાં બિહારની ચૂંટણીની ચર્ચા છે. કારણ કે પાકિસ્તાનના અગ્રણી અખબાર ડોનના પહેલા પાનાં પર જ બિહારની ચૂંટણીના સમાચાર છપાયા છે.
‘ડોન’ (Dawn) અખબારે લખ્યું છે કે મોદી સરકાર હાલમાં અલ્પમતમાં છે અને સહયોગી પક્ષોના સહારે જ ચાલી રહી છે. તેમાં નીતિશ કુમારની જેડીયુ (JDU) મહત્ત્વની છે. જો બિહારની ચૂંટણીમાં પરિણામ થોડું અલગ આવ્યું અને નીતિશ કુમાર સાથેના સંબંધો બદલાયા, તો પછી કેન્દ્ર સરકાર પણ જોખમમાં આવી શકે છે. અખબારે આગળ લખ્યું કે, ‘બિહારના મુખ્ય પ્રધાન નીતિશ કુમારની JDU મોદી સરકારને ટેકો આપવામાં મહત્ત્વની છે.
ભાજપ 2024ની સામાન્ય ચૂંટણીમાં 240 બેઠકો સુધી સીમિત રહી ગઈ હતી. આ પછી JDU અને ચંદ્રબાબુ નાયડુની TDPએ સમર્થન આપ્યું હતું અને સરકારે 272ના આંકડાને સ્પર્શ કર્યો છે. નીતિશ કુમારની JDU 12 સાંસદો સાથે અને આંધ્ર પ્રદેશના મુખ્ય પ્રધાન ચંદ્રબાબુ નાયડુ 16 તેલુગુ દેશમ સાંસદો સાથે મોદીનું ભાગ્ય તેમના હાથમાં પકડીને બેઠા છે.’
‘NDA’ (નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ) નું નેતૃત્વ કરી રહેલા વડાપ્રધાન મોદી પાસે સાધારણ બહુમતી કરતાં માત્ર 21 સાંસદો વધુ છે. બિહાર અને આંધ્ર પ્રદેશના આ બંને સહયોગી મળીને 28 સાંસદોનો ટેકો આપે છે.અખબાર લખે છે કે આવી સ્થિતિમાં નીતિશ અને ચંદ્રબાબુ બંને મહત્ત્વના છે. આવી સ્થિતિમાં જો નીતિશ કુમારની સરકાર પર જોખમ આવ્યું, તો તેઓ રસ્તો બદલીને દાવ ખેલી શકે છે. ભાજપ આવી સ્થિતિ નહીં ઇચ્છે, કારણ કે ચંદ્રબાબુ નાયડુ પણ સખત સોદાબાજી કરનાર (હાર્ડ બાર્ગેનર) છે.
એટલું જ નહીં, પાકિસ્તાની અખબાર લખે છે કે રાહુલ ગાંધી માટે પણ આ ચૂંટણી મહત્ત્વની છે. ડોનનું કહેવું છે કે રાહુલ ગાંધીએ 2024ની ચૂંટણીમાં સારી વાપસી કરી હતી અને તે હવે વિપક્ષના નેતા છે. ડોને ખાસ કરીને યુપીમાં કોંગ્રેસ અને સપાના પ્રદર્શનનો ઉલ્લેખ કર્યો છે. અખબાર લખે છે કે યુપીમાં નબળા પ્રદર્શનને કારણે જ કેન્દ્રમાં મોદી સરકારનું સમર્થન ઘટ્યું છે.
આ પણ વાંચો…બિહાર મતદાન વચ્ચે PM પહોંચ્યા અરરિયા, વિકાસ અને સુશાસનનો આપ્યો મંત્ર



