બિહાર ચૂંટણી: ઉમેદવારી નોંધાવતી વખતે રડી પડ્યા ભોજપુરી સુપરસ્ટાર, જુઓ વીડિયો

પટના: બિહાર ચૂંટણીમાં પ્રથમ તબક્કાના મતદાન માટે ઉમેદવારી નોંધવવાનો આજે છેલ્લો દિવસ હતો. ભોજપુરી ફિલ્મોના સુપર સ્ટાર ખેસારી લાલ યાદવે પણ છપરા બેઠક પરથી આરજેડીના ઉમેદવાર તરીકે ઉમેદવારી નોંધાવી હતી. આ સમયે તેઓ એકદમ ભાવુક થઈ ગયા હતા, કારણ કે આ તેમના જીવનની પ્રથમ ચૂંટણી છે અને આથી જ ઉમેદવારી નોંધાવતા સમયે તેમની આંખમાંથી આંસુ છલકી ગયા હતા, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો હતો.
ઉમેદવારી નોંધાવતા સમયે જોવા મળ્યા ભાવુક દ્રશ્યો
ભોજપુરી ફિલ્મોના સુપર સ્ટાર ખેસારી લાલ યાદવે પણ છપરા બેઠક પરથી આરજેડીના ઉમેદવાર તરીકે ઉમેદવારી નોંધાવી હતી. ઉમેદવાર તરીકે આ તેમની પ્રથમ ચૂંટણી હોવાથી, ઉમેદવારી નોંધાવતા પૂર્વે તેઓ ખૂબ જ ભાવુક જોવા મળ્યા હતા અને તેમની આંખોમાં ખુશીના આંસુ આવી ગયા હતા. તેમના રડવાનો વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
વીડિયોમાં ખેસારી લાલ યાદવ મઢૌરાના ધારાસભ્ય જીતેન્દ્ર રાયને ગળે મળતાં જ રડી પડ્યા હતા. તેઓ થોડી સેકન્ડ માટે તેમના ખભા પર માથું રાખીને રડતા રહ્યા હતા. જીતેન્દ્ર રાયે તેમને હિંમત આપી અને પછી તેઓ નામાંકન માટે પહોંચ્યા. આ સમયે મોટી સંખ્યામાં તેમના સમર્થકો પણ હાજર હતા.
તેજસ્વી યાદવે કરાવી એન્ટ્રી
ઉલ્લેખનીય છે કે ખેસારી લાલ યાદવ ગુરુવારની સાંજે જ તેમની પત્ની ચંદા દેવી સાથે RJDમાં જોડાયા હતા. તેમની પાર્ટીમાં જોડાવવાની જાહેરાત ખુદ તેજસ્વી યાદવે કરી હતી. ખેસારી લાલ યાદવે ફેસબુક પર પોસ્ટ કરીને પોતે ચૂંટણી લડવાનો જાહેરાત કરી હતી.
તેમણે લાલુપ્રસાદ યાદવ સાથેની તસવીર શેર કરીને લખ્યું હતું કે હું, આપ સૌનો દીકરો અને ભાઈ ખેસારી લાલ યાદવ, આ વખતે છપરા વિધાનસભામાંથી ચૂંટણી લડી રહ્યો છું. મારા માટે રાજનીતિ ખુરશીની દોડ નથી, પરંતુ છપરાના દરેક ઘર સુધી વિકાસ પહોંચાડવાની અને દરેક દિલનો અવાજ બનવાની જવાબદારી છે. હું કોઈ પરંપરાગત નેતા નથી, પણ જનતા જનાર્દનનો દીકરો અને યુવા ભાઈઓનો જોશ છું.