ભાજપે પાર્ટીમાંથી સસ્પેન્ડ કર્યા તો આરકે સિંહે આપ્યું રાજીનામું, એક્સ પોસ્ટ કરતા લખ્યું કે…

પટનાઃ બિહારમાં ભવ્ય જીત બાદ ભાજપે પાર્ટીના ત્રણ દિગ્ગજ નેતાઓ સામે કાર્યવાહી કરી હોવાનું જાણવા મળ્યું છે. ભાજપ ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન આરકે સિંહ, વિધાનસભા પરિષદના સભ્ય અશોક કુમાર અગ્રવાલ અને કટિહારના મેયર ઉષા અગ્રવાલને પક્ષ વિરોધી પ્રવૃત્તિઓ માટે પાર્ટીમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યાં છે. પાર્ટીએ તેમને એક અઠવાડિયામાં જવાબ રજૂ કરવા જણાવ્યું છે. તેમાં અત્યારે એક મહત્વના સમાચાર પ્રકાશમાં આવ્યાં છે. પાર્ટીએ સસ્પેન્ડ કરવાની જાહેરાત કરી તો આરકે સિંહે ભાજપના પ્રાથમિક સભ્યપદ પરથી રાજીનામું આપી દીધું છે.
ભાજપે પાર્ટીના નિયમો પ્રમાણે ત્રણ નેતાઓને સસ્પેન્ડ કર્યા
મળતી વિગતો અનુસાર, ભાજપે પાર્ટીના નિયમો અનુસાર ત્રણ નેતાઓને સસ્પેન્ડ કર્યા હોવાનું જાણવા મળ્યું હતું. આમ તો ભાજપમાં સસ્પેન્ડ કરવાની આખી પ્રક્રિયા ત્રણ તબક્કામાં હોય છે, જેમાં પહેલા સસ્પેન્શન, પછી કારણ બતાવવા માટેની નોટિસ અને અંતે હકાલપટ્ટી. પરંતુ ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન આરકે સિંહે તો પહેલા જ તબક્કાની કાર્યવાહીમાં પોતાનું રાજીનામું આપી દીધું છે. એટલા માટે આ મુદ્દો ચર્ચાનું કેન્દ્ર બન્યો છે.
આ પણ વાંચો : આ કેન્દ્રીય પ્રધાનને આવક ઓછી પડી રહી છે! ટૂંક સમયમાં રાજીનામું આપશે
આરકે સિંહે સસ્પેન્ડ કર્યોનો લેટર પણ એક્સ પર પોસ્ટ કર્યો
સોશિયલ મીડિયામાં પોસ્ટ કરીને આરકે સિંહે પોતાનું રાજીનામું આપ્યું છે. આરકે સિંહ (રાજ કુમાર સિંહ)એ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ કરતા લખ્યું કે, ‘મેં મારું રાજીનામું પક્ષને સુપરત કરી દીધું છે. મેં રાજ્ય કાર્યાલયને મોકલેલા પત્રો અને ભાજપના માનનીય રાષ્ટ્રીય અધ્યક્ષને લખેલો રાજીનામું પત્ર આ સાથે જોડ્યું છે’. મહત્વની વાત એ છે કે, આરકે સિંહે રાજીનામા સાથે પાર્ટી દ્વારા જે નોટિસ આપવામાં આવી હતી તેના ફોટા પણ એક્સ પર પોસ્ટ કર્યાં છે.
આ પણ વાંચો : ‘BJP સાથે સરકાર બનાવવા કરતાં હું રાજીનામું આપી દઈશ’: ઓમર અબ્દુલ્લાએ આવું કેમ કહ્યું?
છેલ્લા સમયથી ભાજપ અને એનડીએની ટીકા કરતા હતા
આરકે સિંહ બિહારના આરાના ભૂતપૂર્વ સાંસદ છે. આરકે સિંહ છેલ્લા ઘણાં સમયથી ભાજપ અને એનડીએની આકરી ટીકા કરી રહ્યા હતા. આ સાથે સાથે આરકે સિંહે નીતિશ કુમાર સરકાર પર અનેક આરોપો લગાવ્યાં હતાં. જો કે, ચૂંટણી હોવાના કારણે ભાજપે આરકે સિંહ સામે કોઈ કાર્યવાહી કરી ન હતી, પરંતુ ચૂંટણી પરિણામો જાહેર થતાં જ તેમને પક્ષમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યાં હતાં.



