
નવી દિલ્હી: બિહાર વિધાનસભાની ચૂંટણીમાં મહાગઠબંધનને મોટો ફટકો પડ્યો છે, જેમાં તેના ગઠબંધન ભાગીદાર કોંગ્રેસને માત્ર છ બેઠકો મળી છે. આ કારમા પરાજય બાદ કોંગ્રેસ પાર્ટીમાં ભારે નિરાશા અને આંતરિક કલહ જોવા મળી રહ્યો છે. ઘણા વરિષ્ઠ નેતાઓએ બિહારમાં પાર્ટીની દુર્દશા માટે નેતૃત્વ અને નિર્ણય પ્રક્રિયાને સીધી રીતે દોષી ઠેરવ્યા છે, જોકે કોઈએ રાહુલ ગાંધીનું નામ લીધું નથી.
આટલી મોટી ભૂલ કેવી રીતે થઈ?
વિવિધ કોંગ્રેસી નેતાઓએ પાર્ટીની હાર માટે નીચેના મુદ્દાઓ પર આક્રોશ વ્યક્ત કર્યો છે. કૃપાનંદ પાઠકે જણાવ્યું કે, રાજ્યના પ્રભારીઓએ સાચી માહિતી આપી નથી. તેમણે સચોટ માહિતી એકઠી ન કરી. આટલી મોટી ભૂલ કેવી રીતે થઈ? લોકો અમને સતત ફરિયાદ કરી રહ્યા છે, પરંતુ અમને લાગે છે કે, જે બાબત ઉચ્ચ અધિકારીઓ સુધી પહોંચવી જરૂરી હતી, તેને યોગ્ય રીતે કોમ્યુનિકેટ કરવામાં આવી નહીં. હવે આ બાબત પર ધ્યાન આપવું પડશે, નહીં તો ગંભીર કટોકટી સર્જાશે.
સાંસદ શશી થરૂરે જણાવ્યું કે, NDA આગળ રહ્યું છે. એટલે એ તો સ્પષ્ટ છે કે, પરિણામો નિરાશાજનક છે. જો છેલ્લા પરિણામ પછી પણ આવુંને આવું જ રહ્યું તો કોંગ્રેસને ગંભીર આત્મચિંતન કરવાની જરૂર પડશે. આનો અર્થ ફક્ત બેસીને વિચારવાનો નહી, પરંતુ વ્યૂહાત્મક, સંદેશાત્મક અથવા સંગઠનાત્મક ભૂલો ક્યાં થઈ એ જાણવાનો છે. ઓળખવા માટે ગંભીર આત્મનિરીક્ષણ કરવાની જરૂર છે.
કૉંગ્રેસની અવદશા માટે કોણ જવાબદાર
મુમતાઝ પટેલ નામ લીધા વિના નેતૃત્વ પર પ્રહાર કરતા કહ્યું કે, બહાના બનાવવા તથા દોષારોપણ કરવાને બદલે પોતાનું આત્મમંથન કરીને સત્ય સ્વીકારવાનો સમય છે. કોણ જાણે કેટલાય વફાદાર અને જમીની કાર્યકર્તાઓ છે, જે દરેક મુશ્કેલ પરિસ્થિતિમાં પાર્ટીની સાથે ઊભા રહ્યા છે. તેઓ ક્યાં સુધી સફળતાની રાહ જોશે. પાર્ટી કેટલાક એવા લોકોના હાથમાં છે, જે જમીની વાસ્તવિકતાથી કોસો દૂર છે. આવા લોકો કૉંગ્રેસની અવદશા માટે જવાબદાર છે.
મણિશંકર ઐયર તેમણે નારાજગી વ્યક્ત કરી અને કહ્યું કે, પાર્ટી મને જવાબ આપવા લાયક માનતી નથી. મને સાઈડ લાઈન કરવામાં આવ્યો. એટલું જ નહીં મને વરિષ્ઠ નેતા કહેવાનો ઇનકાર કર્યો. જોકે, છેલ્લા 11 વર્ષોમાં દેશનું લોકતંત્ર બહુ નબળુ પડી ગયું છે. દેશ જે રીતે આગળ વધારવામાં આવી રહ્યો છે, તેને મોટું જોખમ છે. પૂર્વ રાજયપાલ નિખિલ કુમારે જણાવ્યું હતું કે, ચૂંટણીના પરિણામો કૉંગ્રેસ સંગઠનની નબળાઈને ઉજાગર કરે છે. ઉમેદવારોની પસંદગી યોગ્ય નહોતી અને સંગઠને વ્યૂહાત્મક રીતે કામ કર્યું નહોતું.
આ પણ વાંચો…બિહાર ચૂંટણી હાર્યા બાદ રાહુલ ગાંધીની પહેલી પ્રતિક્રિયા, એક્સ પર શેર કરી આવી પોસ્ટ…



