
મુખ્ય ચૂંટણી કમિશનરે બિહારની ચૂંટણી તૈયારીઓની સમીક્ષા બાદ ચિત્ર કર્યું સ્પષ્ટ; બૂથ પર હવે 1200થી વધુ મતદાર નહીં હોય.
નવી દિલ્હી/પટનાઃ બિહાર વિધાનસભાની ચૂંટણીને લઈ દેશના રાજકારણમાં ગરમાવો આવ્યો છે. ચૂંટણી પંચે આજે બિહારની મુલાકાતે પહોંચીને રાજકીય પાર્ટી અને ચૂંટણી પંચના અધિકારીઓ સાથે મહત્ત્વની બેઠક યોજી તેમ જ ચૂંટણીની તૈયારીઓની પણ સમીક્ષા કરવાની સાથે એસઆઈઆર (સ્પેશિયલ ઈન્ટેન્સિવ રિવિઝન)ની સફળતા બુથ લેવલના અધિકારીઓની કામગીરીની ચૂંટણી પંચે પ્રશંસા કરી હતી.
અહીંની બેઠકમાં ચૂંટણી પંચને ભારતીય જનતા પાર્ટી (ભાજપ)એ બે તબક્કામાં ચૂંટણી યોજવાની ડિમાન્ડ કરી હતી, જ્યારે ચીફ ઈલેક્શન કમિશનર જ્ઞાનેશ કુમારે કહ્યું કે એસઆઈઆર પ્રક્રિયા સંપૂર્ણપણે સફળ રહી છે, જ્યારે 22 નવેમ્બર પૂર્વે ચૂંટણી યોજવામાં આવશે.

કોઈ પણ પોલિંગ બૂથ પર 1200થી વધુ મતદાર રહેશે નહીં
મુખ્ય ચૂંટણી કમિશનરે કહ્યું છે કે આ ચૂંટણીમાં પંચ દ્વારા જાહેર કરવામાં આવેલી નિર્ણયો દેશભરમાં લાગુ કરવામાં આવશે. બિહારમાં કુલ 243 વિધાનસભા સીટ છે અને ચૂંટણી નિર્ધારિત સમયે સંપન્ન કરવામાં આવશે. ચૂંટણી પંચની ટીમ બે દિવસથી બિહારમાં એક્ટિવ છે, જ્યારે ટીમે પટનામાં રાજકીય પક્ષો, ચૂંટણી પંચના અધિકારીઓએ, વહીવટી અધિકારીઓ, વિવિધ એજન્સી, મુખ્ય ચૂંટણી પંચના અધિકારીઓ, વિશેષ પોલીસ દળના અધિકારીઓ બેઠક યોજવામાં આવી હતી.
ચૂંટણી પંચે જણાવ્યું કે હવે કોઈ પણ પોલિંગ બૂથ પર 1,200થી વધુ મતદાર રહેશે નહીં. આ વ્યવસ્થા ખાસ તો મતદાન પ્રક્રિયા સુરક્ષિત બનાવવાનો ઉદ્દેશ છે. બિહારમાં વન-સ્ટોપ ડિજિટલ પ્લેટફોર્મ લાગુ પાડવામાં આવશે. દરેક ઉમેદવાર પોતાના એજન્ટને બૂથથી 100 મીટર દૂરના અંતરે તહેનાત કરી શકે છે. તમામ પોલિંગ સ્ટેશન પર 100 ટકા વેબકાસ્ટિંગ થશે. ઈવીએમ પર હવે બ્લેક એન્ડ વ્હાઈટ બેલેટ પેપરના બદલે કલરફુલ ફોટો અને સિરિયલ નંબર સાથેના બેલેટ પેપર હશે, જેથી ઉમેદવારોની ઓળખ સરળ બને અને વોટિંગ પ્રક્રિયા પારદર્શક બને.
મતદાન વખતે ફોન લઈ જઈ શકો પણ…
દેશના મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારે કહ્યું હતું કે એસઆઈઆરમાં બીજા દેશના નાગરિકોના નામ કાઢી નાખવામાં આવ્યા છે. એના સિવાય એવા લોકોના નામ પણ યાદીમાંથી કાઢવામાં આવ્યા છે, જ્યાં એમના નામ જોડાયેલા છે. ચૂંટણી કમિશનરે કહ્યું કે દરેક જિલ્લામાં કેટલા નામ કાઢવામાં આવ્યા એની જાણકારી જિલ્લા અધિકારી પાસે પણ હોય છે, ત્યાંથી જાણકારી લઈ શકો છો.

ચૂંટણી પ્રક્રિયા વધુ સરળ બનાવવા માટે અમુક ફેરફારો પણ કર્યા છે. બીએલઓએ સારું કામ કર્યું છે, જ્યારે મતદાન કરવા જતી વખતે ફોન વાપરી શકાશે, પરંતુ મતદાન કરવા જતા પહેલા ફોન જમા કરાવવાનો પડશે તેમ જ મતદાન પછી ફોન પાછો લઈ શકશો.