‘બિહાર આવો..’ નિશિકાંત દુબેનો પડકાર, ઉદ્ધવ ઠાકરેએ તેમને ‘હાયના’ કહ્યા
મરાઠી અને હિન્દીના વિવાદ પર ભાજપના નેતા નિશિકાંત દુબેએ રાજ ઠાકરેને ખુલ્લો પડકાર ફેંક્યો હતો, જેનો જવાબ તેમના ભાઈ ઉદ્ધવ ઠાકરેએ આપ્યો

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મહારાષ્ટ્રમાં ભાષાને લઈને રાજકારણ ગરમાઈ રહ્યું છે. ઝારખંડના ગોડ્ડાના ભાજપના સાંસદ નિશિકાંત દુબેએ મનસેના વડા રાજ ઠાકરેને બિહાર આવવાનો ખુલ્લો પડકાર ફેંક્યો હતો અને કહ્યું હતું કે જો રાજ ઠાકરેમાં એટલી હિંમત હોય તો તેમણે બિહાર આવીને બતાવવું જોઈએ. તેમને પટકી પટકીને મારવામાં આવશે. ગુવાહાટીમાં એક સમાચાર એજન્સીને આપેલા ઇન્ટરવ્યુમાં નિશિકાંત દુબેએ રાજ ઠાકરે વિશે આવું વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. રાજ ઠાકરેના ભાઈ ઉદ્ધવ ઠાકરેએ આનો જવાબ આપતા કહ્યું હતું કે, છોડો દુબે બીબે… એ તો કોઈ હાયના (તરસ) છે જે વિવાદ ઉભો કરી રહ્યો છે?
નિશિકાંત દુબેના નિવેદન પર ઉદ્ધવ ઠાકરેએ વધુમાં કહ્યું હતું કે, અહીં બધા ખુશ છે, તેમના બોલવા પર ધ્યાન આપવાની જરૂર નથી. મહારાષ્ટ્રના લોકો બધું જાણે છે. આ પછી, ઉદ્ધવે પહલગામવાળા આશિષ શેલારના નિવેદન પર કહ્યું હતું કે, આ લોકો મરાઠીના દુશ્મન છે. અમે કોઈ ભાષાનો વિરોધ નથી કરી રહ્યા. જુઓ, હું હિન્દીમાં વાત કરી રહ્યો છું, અમારા સાંસદો પણ હિન્દીમાં વાત કરે છે. અમારો વિરોધ હિન્દીનો વિરોધ નથી, પરંતુ હિન્દીને ફરજિયાત બનાવવા વિશે છે.
આ પણ વાંચો: નિશિકાંત દુબેને પવન ખેરાએ આપ્યો જવાબઃ ટ્વીટના જવાબમાં ટ્વીટ
નિશિકાંત દુબેએ શું કહ્યું હતું?
ભાજપના સાંસદ નિશિકાંત દુબેએ કહ્યું હતું કે, તમે કોની રોટલી ખાઓ છો? ટાટા, બિરલા, રિલાયન્સ પાસે મહારાષ્ટ્રમાં યુનિટ પણ નથી. ટાટાએ બિહારમાં પોતાની પહેલી ફેક્ટરી પણ બનાવી જ્યારે ઝારખંડ તેની સાથે હતું. તમે અમારા પૈસા પર જીવી રહ્યા છો, તમે કયા ટેક્સ ચૂકવો છો? તમારી પાસે કયો ઉદ્યોગ છે, અમારી પાસે બધી ખાણો છે, ઝારખંડ અને છત્તીસગઢ પાસે છે. મધ્યપ્રદેશ પાસે છે, ઓડિશા પાસે છે પણ તમારી પાસે કઈ ખાણો છે? જો મુંબઈમાં હિન્દીભાષી લોકોને મારનારાઓમાં હિંમત હોય, તો મહારાષ્ટ્રમાં ઉર્દૂભાષી લોકોને મારવાનો પ્રયાસ કરો. પોતાના ઘરમાં કૂતરો પણ સિંહ બનતો હોય છે. તમે જ નક્કી કરો કે કોણ કૂતરો છે અને કોણ સિંહ. નિશિકાંત દુબેએ એમ પણ કહ્યું હતું કે, ‘મહારાષ્ટ્રમાં શું છે? તો પછી તમે ઉપરથી અમારું શોષણ કરો છો અને અમને ધમકાવો છો.’