રાજ્યપાલની સહી બાદ તરત જ અનામત લાગુ થઇ જશે: બિહારના મુખ્યપ્રધાન
પટણા: બિહારના મુખ્યપ્રધાન નીતિશકુમારે ગત અઠવાડિયે બિહાર વિધાનસભા અને વિધાન પરિષદ દ્વારા પસાર કરાયેલા પછાત વર્ગો, અતિ પછાત વર્ગો, અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિને આરક્ષણ આપવા અંગે જણાવ્યું હતું કે, રાજ્યપાલના તેના પર હસ્તાક્ષર કરી દે તેની સાથે જ તેને રાજ્ય સરકાર લાગુ કરી દેશે.
રાજ્યપાલ બહાર હતા, આજે મેં છાપામાં વાંચ્યું કે તેઓ આવી ગયા છે, તેવું જણાવતા સીએમ નીતિશકુમારે કહ્યું હતું કે “અમારી અપેક્ષા છે કે તેઓ આજે જ બિલ પર હસ્તાક્ષર કરી દે, હવે આ મામલે હું વધુ કંઇ કહેવા માગતો નથી નહિ તો વિવાદ ઉભો થઇ જશે, અમે રાહ જોઇ રહ્યા છીએ.” નીતિશકુમારે જણાવ્યું.
આરક્ષણ બિલ પાસ થાય એ પછી બિહારમાં સરકારી નોકરીઓ તથા શૈક્ષણિક સંસ્થાઓમાં આ વર્ગના લોકોને વર્તમાન જોગવાઇ કરતા વધુ અનામતનો લાભ મળશે. પછાત વર્ગને 12 ટકાને બદલે 18 ટકા તથા અત્યંત પછાત વર્ગને 18 ટકાને બદલે 25 ટકા અનામનો લાભ મળશે, ઉપરાંત અનુસૂચિત જાતિને 16ની જગ્યાએ 20 ટકા અનામનતનો લાભ મળશે.
મુખ્યપ્રધાન નીતિશકુમારે એક કાર્યક્રમમાં સંબોધન કરતી વખતે નિવેદન આપ્યું હતું કે રાજ્યમાં ગમે તેટલો વિકાસ થાય, પણ જ્યાં સુધી વિશેષ રાજ્યનો દરજ્જો નહિ મળે ત્યાં સુધી તે પછાત જ રહેશે.