મજબૂરી કા નામ નીતીશ કુમાર? ભાજપે ચૂંટણી માટે મુખ્ય પ્રધાનનો ચહેરો કર્યો જાહેર…
પટણાઃ બિહારના રાજકારણમાં ફરી નવો વળાંક આવ્યો છે. બિહાર ભાજપે (ભારતીય જનતા પાર્ટી)એ એક મોટો નિર્ણય લીધો છે. પાર્ટીએ નીતીશ કુમારના નેતૃત્વમાં વિધાનસભા ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો છે. ભાજપે કહ્યું છે કે વિધાનસભાની ચૂંટણી પહેલા તેમણે નીતીશ કુમારના નામ પર મહોર લગાવી દીધી છે. બિહારમાં નીતિશ કુમારની પકડ હજુ મજબૂત છે કે તેમને આગળ રાખવા એ ભાજપની મજબૂરી છે તે ચર્ચાનો વિષય બન્યો છે.
આ પણ વાંચો : અમિત શાહ વિરુદ્ધ RLD પ્રવક્તાને ટીકા કરવાનું પડ્યું ભારે, પાર્ટીએ લીધો મોટો નિર્ણય
હાલમાં નીતિશ કુમાર ‘મિશન બિહાર’ પર નીકળ્યા છે. નીતીશ કુમારે આજે પશ્ચિમ ચંપારણથી ‘પ્રગતિ યાત્રા’ના પ્રથમ તબક્કાની શરૂઆત કરી છે. જોકે, રાજ્યના બંને ડેપ્યુટી સીએમ, વિજય કુમાર સિંહા અને સમ્રાટ ચૌધરી આ યાત્રાની શરૂઆત સમયે દેખાતા નહોતા.
મુખ્યમંત્રી નીતીશ કુમારે બેતિયાના વાલ્મિકીનગરના ઘોટવા ટોલાથી પોતાની યાત્રા શરૂ કરી હતી. આ દરમિયાન મુખ્ય પ્રધાને વિવિધ વિસ્તારોની મુલાકાત લીધી હતી અને લોકોના અભિપ્રાય પણ લીધા હતા. તેમની મુલાકાત દરમિયાન, સીએમ કુમારે કરોડોની યોજનાઓનો શિલાન્યાસ અને ઉદ્ઘાટન પણ કર્યું.
યાત્રાના માધ્યમથી નીતીશ કુમાર વિશેષ રૂપે મહિલાઓ સાથે સંવાદ સાધી રહ્યા છે. યાત્રાના પ્રથમ તબક્કામાં મુખ્યપ્રધાન ૨૩થી ૨૮ ડિસેમ્બર દરમિયાન છ જિલ્લાની મુલાકાત લેશે, જેમાં ચંપારણ, શિવહર-સીતામઢી, મુઝફ્ફરપુર અને વૈશાલીનો સમાવેશ થાય છે.
હાલમાં જ એક કાર્યક્રમમાં ગૃહ પ્રધાન અમિત શાહે કહ્યું હતું કે બિહારમાં આગામી ચૂંટણી કોના ચહેરા પર લડવામાં આવશે તેનો નિર્ણય ભાજપ અને જેડીયુની બેઠકમાં લેવામાં આવશે. આ વિધાન પછી બિહારમાં રાજનૈતિક માહોલમાં ગરમી આવી ગઈ હતી. બેઠકોનો દોર શરૂ થયો અને પછી નીતીશ કુમારનું નામ એનડીએના અને મુખ્ય પ્રધાનના ચહેરા તરીકે જાહેર કરવામાં આવ્યું.
બિહારમાં એનડીએના નેતૃત્વ પર સવાલો ઊભા થવાનું કારણ મહારાષ્ટ્રમાં થયેલ ફેરબદલ છે, જ્યાં શિવસેનાના એકનાથ શિંદેના ચહેરા પર ચૂંટણી લડાઈ હતી, પરંતુ પરિણામો આવ્યા બાદ ભાજપના દેવેન્દ્ર ફડણવીસ મુખ્યમંત્રી બન્યા હતા. ભાજપના નેતા અને મુખ્ય પ્રધાન સમ્રાટ ચૌધરીએ પણ પત્રકારો સાથેની વાતચીતમાં આ નિર્ણય ઉપર સહમતી વ્યક્ત કરી હતી.
આ પણ વાંચો : દિલ્હી ચૂંટણી પહેલા ભાજપે AAP સરકાર સામે જારી કરી ચાર્જશીટ…
રાજકીય નિષ્ણાતોનું કહેવું છે કે બિહારની રાજનીતિમાં નીતીશ કુમાર મહત્વપૂર્ણ છે, આવી સ્થિતિમાં ભારતીય જનતા પાર્ટીએ પોતાના મુખ્યપ્રધાન બનાવવા માટે નીતીશ કુમાર સક્રિય રાજકારણમાંથી ખસી જાય ત્યાં સુધી રાહ જોવી પડશે.
આ જ કારણ છે કે ભાજપની સાથે જ જીતનરામ માંઝીનો હિન્દુસ્તાની આવામ મોરચા (હમ) અને ચિરાગ પાસવાનની એલજેપી, જે એનડીએના ભાગ છે, તેમને નીતીશ કુમારનું નેતૃત્વ સ્વીકાર્ય છે, પરંતુ આ રાજકારણ છે. ચૂંટણી પરિણામો પછી કોઈ નવાજૂની થાય તો કહેવાય નહીં.