બિહાર ચૂંટણી: SIR બાદ અંતિમ મતદાર યાદી જાહેર; આટલા લાખ મતદારોના નામ કપાયા

પટના: બિહારમાં ઓકટોબર-નવેમ્બર મહિનામાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે, એ પહેલા ઈલેક્શન કમીશન(EC) દ્વારા હાથ ધરવામાં આવેલા સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન(SIR) બાદ તૈયાર કરવામાં આવેલી સુધારેલી મતદાર યાદી જાહેર કરી છે, આ યાદીમાંથી 48 લાખ નામોને બાકાત રાખવામાં આવ્યા છે.
ચૂંટણી પંચના અધિકારીના જણાવ્યા મુજબ, “SIR હાથ ધર્યા બાદ 30 સપ્ટેમ્બર, 2025 ના રોજની અંતિમ મતદાર યાદી જાહેર કરવામાં આવી છે. કોઈપણ મતદાર voters.eci.gov.in લિંક પર જઈને મતદાર યાદીમાં તેમના નામની વિગતો ચકાસી શકે છે.”
આ પણ વાંચો : બિહાર ચૂંટણી પૂર્વે સુપ્રીમ કોર્ટનો મોટો આદેશ: SIR પ્રક્રિયામાં હવે આધાર કાર્ડ ‘માન્ય’ રહેશે!
આ વેબસાઈટ પર જઈને કોઈ પણ વ્યક્તિ પોતાનું નામ પણ શોધી શકે છે અથવા વિધાનસભા સેગમેન્ટ મુજબ મતદારયાદી પણ ડાઉનલોડ કરી શકે છે.
નોંધનીય છે કે SIR દ્વારા કરવામાં કરવામાં આવેલી ડ્રાફ્ટ મતદાર યાદી 1 ઓગસ્ટના રોજ જાહેર કરવામાં આવી હતી, જેને 1 સપ્ટેમ્બર સુધી દાવાઓ અને વાંધાઓ રજુ કરવામાં માટે સમય આપવામાં આવ્યો હતો. હવે અંતિમ યાદી જાહેર કરવામાં આવી છે.
આ પણ વાંચો : રખડતા શ્વાનો મામલે સુપ્રીમ કોર્ટે પોતાનો આદેશ બદલ્યો; જાણો કોર્ટે શું કહ્યું
અંતિમ મતદાર યાદીના મુખ્ય આંકડા:
• બિહારની અંતિમ મતદાર યાદીમાં મતદારોની સંખ્યા 7.42 કરોડ નોંધાઈ છે.
• SIR શરૂ થાય તે પહેલાં 24 જૂન, 2025 ના રોજ બિહારમાં 7.89 કરોડ મતદારો નોંધાયા હતાં. ત્યારબાદ SIR દ્વારા મૃત્યુ, સ્થળાંતર અને ડુપ્લિકેટ એન્ટ્રી જેવા કારણોસર 65 લાખ મતદારોને બાકાત રાખવામાં આવ્યા હતા.
• 1 ઓગસ્ટના રોજ ડ્રાફ્ટ SIR યાદીમાં 7.24 કરોડ મતદારોની ડ્રાફ્ટ મતદારયાદી બહાર પાડવામાં આવી
• 3.66 લાખ નામો ચકાસણીમાં અયોગ્ય જણાતા તેને પણ દૂર કરવામાં આવ્યા હતા.
• ડ્રાફ્ટ મતદાર યાદી પર વાંધા ઉઠાવ્યા બાદ અને ચકાસણી પ્રક્રિયા દરમિયાન 21.53 લાખ નામો યોગ્ય જણાતા તેમને ફરી યાદીમાં ઉમેરવામાં આવ્યા હતા.
• અંતે, કાઢી નાખવામાં આવેલા નામો (65 લાખ + 3.66 લાખ = 68.66 લાખ) અને ઉમેરવા આવેલા નામો (21.53 લાખ) ની ગણતરી કર્યા પછી, 30 સપ્ટેમ્બર, 2025 ના રોજ મતદારોની અંતિમ સંખ્યા 7.42 કરોડ છે.
હજુ પણ અરજી કશી શકાય છે:
ચૂંટણી પંચે યાદી જાહેર કરતા એ પણ જણાવ્યું કે કોઈ લાયક હોય અને મતદાર યાદીમાં પોતાનું નામ દાખલ કરવા ઇચ્છતું હોય તો ઉમેદવારી પત્ર ભરવાની છેલ્લી તારીખના 10 દિવસ પહેલા સુધી અરજી કરવાની રહેશે.
વધુમાં, જો કોઈ વ્યક્તિ અંતિમ મતદાર યાદી સામે વાંધો હોય તો, તો તેઓ લોક પ્રતિનિધિત્વ અધિનિયમ 1950ની કલમ 24 હેઠળ જિલ્લા મેજિસ્ટ્રેટ સમક્ષ અરજી કરી શકે છે, ત્યાર બાદ રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી સમક્ષ અપીલ દાખલ કરી શકે છે.
બિહારમાં SIR માટે રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી (CEO), 38 જિલ્લાઓના જિલ્લા ચૂંટણી અધિકારીઓ (DEO), 243 ચૂંટણી નોંધણી અધિકારીઓ (ERO), 2,976 સહાયક ચૂંટણી નોંધણી અધિકારીઓ (AERO), લગભગ 100,000 બૂથ લેવલ અધિકારીઓ (BLO), લાખો સ્વયંસેવકો અને તમામ 12 મુખ્ય રાજકીય પક્ષો અને તેમના જિલ્લા પ્રમુખો અને 1.6 લાખથી વધુ બૂથ લેવલ એજન્ટોનોએ સાથે મળીન પૂર્ણ કર્યું હતું.