નેશનલ

છઠ તહેવારે રાજકારણ ગરમાયું, આરજેડી પ્રમુખ લાલુ પ્રસાદને સમ્રાટ ચૌધરીએ આપ્યો તીખો જવાબ

બિહારના ઉપ મુખ્યપ્રધાન સમ્રાટ ચૌધરીએ કહ્યું કે, લાલૂ યાદવને હવે શરમ આવવી જોઈએ

પટના: બિહારમાં એકબાજુ છઠનો તહેવાર છે અને બીજીબાજુ વિધાનસભાની ચૂંટણી પણ આવી રહી છે, જેને લઈને રાજકારણ ગરમાયું છે. બિહારના ઉપમુખ્ય પ્રધાન અને ભાજપના નેતા સમ્રાટ ચૌધરીએ આરજેડીના પ્રમુખ લાલૂ પ્રસાદ યાદવ પર કરેલા આક્ષેપનો આકરો પ્રતિભાવ આપ્યો છે. લાલૂ યાદવે આક્ષેપ કર્યો હતો કે છઠ્ પર્વના સમયમાં ખાસ ટ્રેન ન ચલાવવાથી જાહેર જનતાને મુશ્કેલી પડી રહી છે. આ આક્ષેપનો સમ્રાટ ચૌધરીએ વળતો જવાબ આપ્યો છે.

આરજેડીના પ્રમુખને સમ્રાટ ચૌધરીએ આપ્યો તીખો જવાબ

વળતો જવાબ આપતા સમ્રાટ ચૌધરીએ કહ્યું કે, જ્યારે લાલૂ યાદવ પોતાની સમયમાં રેલવે પ્રધાન હતા ત્યારે તેમણે માત્ર 178 ખાસ ટ્રેનો ચાલવી હતી. આજના સમયમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્ય પ્રધાન નિતીશ કુમારના સમન્વયથી 12,075 ટ્રેનો ચાલુ કરવામાં આવી છે. આટલી સંખ્યામાં ટ્રેનો ચાલી રહી છે છતાં પણ લાલૂ યાદવ આક્ષેપ કરે છે, એ બાબત શરમજનક છે, તેવું સમ્રાટ ચૌધરીએ જણાવ્યું હતું.

કન્ફર્મ ટિકિટ સાથે 20 ટકાનો સબસિડીનો લાભ

સમ્રાટ ચૌધરીએ વધુમાં જણાવ્યું કે, જે મુસાફરો 15 ઓક્ટોબર બાદ પરત ફરશે તેમને કન્ફર્મ ટિકિટ સાથે 20 ટકાનો સબસિડી લાભ પણ આપવામાં આવશે. આ નિર્ણય પ્રવાસીઓના હિત માટે લેવામાં આવ્યો છે. બિહાર સરકારે લોકોની સુવિધાને ધ્યાનમાં રાખીને આ આયોજન કર્યું છે જેથી છઠ્ પર્વ દરમિયાન જાહેર પરિવહન વધુ સરળ બને. છઠ્ તહેવારને અનુલક્ષીને સરકાર દ્વારા મોટી માત્રામાં વિશેષ ટ્રેનો દોડાવવામાં આવી છે.

સમ્રાટ ચૌધરીએ ભ્રષ્ટાચારના કેસો મામલે પણ કટાક્ષ કર્યો

સમ્રાટ ચૌધરીએ લાલૂ યાદવ અને તેમના પરિવારમાં સમયાંતરે થયેલા ભ્રષ્ટાચારના કેસો મામલે પણ કટાક્ષ કર્યો છે. તેમણે કહ્યું કે, લાલુ યાદવ લોકશાહીની મજાક ઉડાવી રહ્યા છે. તેમણે બિહારમાં લૂંટ, ઘાસચારો અને ડામર કૌભાંડો કર્યા, અને સાંસદ અને ધારાસભ્ય બનાવવા માટે જમીન નોંધણી કરાવી, અને હોટલ આપવા માટે જમીન નોંધણી કરાવી હતી. આવા અનેક કૌભાંડો કર્યો હોવાનો આક્ષેપ સમ્રાટ ચૌધરીએ કર્યો હતો. ચૌધરીએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, બિહારની જનતા હવે વિકાસ અને સ્વચ્છ શાસન સાથે છે. પુરાણું રાજકારણ હવે ચાલશે નહીં.

Vimal Prajapati

વિમલ પ્રજાપતિએ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિષય સાથે અનુસ્નાતક થયેલા છે. તેઓ ડિજિટલ મીડિયાનો 4 વર્ષનો અનુભવ છે અને અત્યારે મુંબઈ સમાચારમાં કન્ટેન્ટ રાઈટર તરીકે કામ કરી રહ્યાં છે.

સંબંધિત લેખો

Back to top button