પટના એરપોર્ટ પર કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓના હાજરીમાં કાર્યકર્તાઓ વચ્ચે મારામારી, જાણો શું છે કારણ…

પટનાઃ બિહારમાં ચૂંટણીનો માહોલ જામેલો છે. તેવામાં પટના એરપોર્ટ પર કોંગ્રેસ પાર્ટીમાં આંતરિક વિવાદનો એક વીડિયો પ્રકાશમાં આવ્યો છે. પટના એરપોર્ટ પર કોંગ્રેસ પાર્ટીના કાર્યકરો વચ્ચે હિંસાત્મક વિવાદ થયો હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. પટના એરપોર્ટ પર કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ, બિહાર કોંગ્રેસના પ્રભારી અને કોંગ્રેસ વિધાનસભા પક્ષના નેતા હાજર હતા ત્યારે કાર્યકરોએ મારામારી કરી હતી. આનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.
કોંગ્રેસના કાર્યકર્તાઓએ જાહેરમાં મારામારી કરી
વધારે વિગતે વાત કરવામાં આવે તો, કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ રાજેશ રામ, બિહાર કોંગ્રેસના પ્રભારી કૃષ્ણા અલ્લાવારુ અને કોંગ્રેસ વિધાનસભા પક્ષના નેતા શકીલ અહેમદ ખાન પટના પહોંચ્યા ત્યારે આ વિવાદ શરૂ થયો હતો. આ લોકો એરપોર્ટ પર પહોંચ્યાં ત્યારે કેટલાક લોકો આવ્યાં અને મુર્દાબાદના નારા લગાવવાનું શરૂ કરી દીધું હતું. મુર્દાબાદના નારા શરૂ થતાં કોંગ્રેસના કાર્યકર્તાઓએ મારામારી શરૂ કરી દીધી હતી. જેના કારણે મામલે વધારે ઉગ્ર બન્યો હતો.
ટિકિટ ફાળવવી મામલે સમર્થકો ગુસ્સે થયા
વિવાદની વાત કરવામાં આવે તો, કોંગ્રેસે વિક્રમની બેઠક પરથી ભૂતપૂર્વ ધારાસભ્ય અનિલ શર્માને ટિકિટ આપી છે. આનાથી બીજા દાવેદારના સમર્થકો ગુસ્સે થયા, જેમણે હોબાળો મચાવ્યો હતો. આ જ બેઠક પર ભાજપે સિદ્ધાર્થ સૌરવને ટિકિટ આપી છે, જે 2020 માં કોંગ્રેસની ટિકિટ પર જીત્યા હતા પરંતુ નીતિશ કુમારના ફ્લોર ટેસ્ટ દરમિયાન NDAમાં જોડાયા હતા. મહત્વની વાત એ છે કે, પટના એરપોર્ટ પર થયેલા વિવાદના કારણે કોંગ્રેસને થોડી મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.
કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓની હાજરીમાં થઈ મારામારી
કોંગ્રેસમાં બેઠકની ફાળવણી અંગે આંતરિક વિવાદ ચાલી રહ્યો છે. કાર્યકરોએ એરપોર્ટ પર બિહાર કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓની હાજરીને અવગણી, અને તેમની સામે જ હિંસા અને હંગામો કર્યો હતો. જેથી આંતરિક વિખવાદ થઈ રહ્યો છે તે નક્કી થઈ ગયું છે. બિહારમાં કોંગ્રેસ ચૂંટણી જીતવા માટે મથામણ કરી રહી છે, પરંતુ આવા વિવાદો થતા રહેશે તો લોકો કોંગ્રેસ પાર્ટી પર વિશ્વાસ કેવી રીતે મૂકશે?
આ પણ વાંચો…‘ઓપરેશન બ્લુ સ્ટાર એક ભૂલ હતી….’ ચિદમ્બરમના નિવેદનથી કોંગ્રેસ ફરી મુશ્કેલમાં