બિહાર વિધાનસભા ચૂંટણીમાં ઝારખંડ મુક્તિ મોરચો નહી ઝંપલાવે, કર્યો આ આક્ષેપ

પટના : બિહાર વિધાનસભા ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે. જેના પગલે મોટાભાગના રાજકીય પક્ષો ઉમેદવારોના નામની જાહેરાત કરી રહ્યા છે. જોકે, આ દરમિયાન ઝારખંડ મુક્તિ મોરચાએ બિહાર વિધાનસભા ચૂંટણીથી દુર રહેવાનો નિર્ણય લીધો છે .તેમજ તેમણે મહાગઠબંધનના મુખ્ય પક્ષો, કોંગ્રેસ અને આરજેડી પર વિશ્વાસઘાતનો આરોપ મુક્યો છે.
મહાગઠબંધનના ઉમેદવારના પ્રચારમાં નહી જોડાય
ઝારખંડના મંત્રી સુદિબ્ય કુમાર સોનુએ આ જાહેરાત કરી. તેમણે મહાગઠબંધનના મુખ્ય પક્ષો, કોંગ્રેસ અને આરજેડી પર વિશ્વાસઘાતનો આરોપ લગાવ્યો. મંત્રીએ કહ્યું કે જેએમએમ ચોક્કસપણે બદલો લેશે.
તેમણે કહ્યું કે પાર્ટી ન તો બિહાર વિધાનસભા ચૂંટણી લડશે કે ન તો કોઈ મહાગઠબંધનના ઉમેદવારના પ્રચારમાં ભાગ લેશે. એવું માનવામાં આવે છે કે હેમંત સોરેન આગામી ઝારખંડ વિધાનસભા ચૂંટણીમાં મહાગઠબંધનને રાજકીય કિંમત ચૂકવવી પડશે.
આપણ વાંચો: બિહાર વિધાનસભા ચૂંટણી માટે ભાજપે ઉમેદવારોના નામ નક્કી કર્યા, 16 ધારાસભ્યોની કપાઈ શકે છે ટિકિટ
ઝારખંડમાં આરજેડીનું સન્માન કર્યું હતું
આ અંગે મંત્રી સુદિબ્ય કુમાર સોનુએ આરોપ લગાવ્યો કે ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેને ઝારખંડમાં આરજેડીનું સન્માન કર્યું હતું. તેમણે તેમની સરકારમાં તેમના પક્ષના એક ધારાસભ્યને મંત્રી તરીકે નિયુક્ત કર્યા હતા. આરજેડીએ બિહારમાં ન તો તેમને માન આપ્યું કે ન તો તેમને યોગ્ય બેઠકો આપી.
આરજેડીને આની રાજકીય કિંમત ચૂકવવી પડશે
તેમજ મંત્રીએ વધુમાં જણાવ્યું કે વર્ષ 2019 માં ઝારખંડમાં રાષ્ટ્રીય જનતા દળનો ફક્ત એક જ ધારાસભ્ય હતો. છતાં અમે તેમને સન્માન આપ્યું. આજે ચાર ધારાસભ્યો હોવા છતાં તેમને સરકારમાં સ્થાન આપવામાં આવ્યું.
તેમ છતાં આરજેડીએ તેમની સાથે આ રીતે વર્તન કર્યું. આરજેડીએ ચાલાકીપૂર્વક ઝારખંડ મુક્તિ મોરચાને બિહાર વિધાનસભા ચૂંટણીમાંથી ખસી જવા માટે મજબૂર કરી છે. આગામી દિવસોમાં આરજેડીને આની રાજકીય કિંમત ચૂકવવી પડશે.



