બિહારમાં ‘સૂર સંગ્રામ’: ભાજપ-આરજેડીએ ગાયકોને મેદાનમાં ઉતાર્યાં, રેલીમાં ગીતોની રમઝટ બોલાશે

પટના: બિહાર વિધાનસભાની ચૂંટણીમાં આ વખતે રાજકીય પક્ષોએ આરપારની લડાઈ છેડી છે. એનડીએ અને મહાગઠબંધન વચ્ચે મુખ્ય મુકાબલો છે, જેમાં ભાજપ (ભારતીય જનતા પાર્ટી) અને આરજેડી એકબીજા સામે જોરદાર ટક્કર આપી રહ્યા છે. આ ચૂંટણીમાં યુવાનોને આકર્ષવા માટે ભાજપ અને આરજેડીએ ‘ગ્લેમર કાર્ડ’ ખેલ્યું છે. ભાજપે પ્રસિદ્ધ લોકગાયિકા મૈથિલી ઠાકુરને અને આરજેડીએ ભોજપુરી સ્ટાર ખેસારી લાલ યાદવને મેદાનમાં ઉતાર્યા છે.
બંને કલાકારોને મળી ટિકિટ
ભાજપે મૈથિલી ઠાકુરને પક્ષમાં સામેલ કર્યાના બે દિવસમાં જ તેમને દરભંગા જિલ્લાની અલીનગર બેઠક પરથી ઉમેદવાર જાહેર કર્યા છે. જોકે, રાજકારણ અને આ બેઠક બંને માટે મૈથિલી નવા હોવાથી તેમને સ્થાનિક લોકોના વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે અને ‘આયાતી’ ઉમેદવાર તરીકે ઓળખાવવામાં આવી રહ્યા છે. બીજી તરફ, આરજેડીએ ભોજપુરીના સ્ટાર ખેસારી લાલ યાદવને છપરા બેઠક પરથી ટિકિટ આપી છે, જેઓ પણ રાજકારણમાં નવા છે.
આ પણ વાંચો: બિહારમાં એનડીએ સીએમ પદના ચહેરા વિના જ ચૂંટણી લડશે, ગૃહમંત્રી અમિત શાહે આપ્યા સંકેત
ક્ષેત્રીય કલાનું પ્રતિનિધિત્વ
અત્રે ખાસ નોંધવા જેવી વાત એ છે કે મૈથિલી અને ખેસારી લાલ સામ-સામે ચૂંટણી લડી રહ્યા નથી. મૈથિલી મિથિલાંચલની અલીનગર બેઠક પરથી ઉમેદવાર છે, જ્યારે ખેસારી લાલ ભોજપુરિયા ક્ષેત્રની છપરા બેઠક પરથી લડી રહ્યા છે. બંને કલાકારોની કલા અને મનોરંજન જગતમાં અનુક્રમે મૈથિલી અને ભોજપુરી ગીતો માટે જબરદસ્ત લોકપ્રિયતા છે અને સોશિયલ મીડિયા પર તેમના લાખો ફોલોઅર્સ છે.
પ્રચારમાં મનોરંજનનો તડકો
બંને કલાકારોના ચૂંટણી મેદાનમાં આવવાથી ચૂંટણીનો માહોલ વધુ સુરીલો બન્યો છે. તેઓ રેલીઓમાં માત્ર ભાષણો જ નહીં, પણ ગીતો પણ ગાશે, જેનાથી જનતાનું મનોરંજન થશે. મૈથિલી લોકગીતો અને ખેસારી લાલ યુવાનોને ઝુમાવતા ગીતો રજૂ કરશે. સ્ટાર પ્રચારક તરીકે બંને પક્ષો અન્ય વિધાનસભા ક્ષેત્રોમાં પણ તેમનો ઉપયોગ કરી શકે છે.
આ પણ વાંચો: બિહાર સંગ્રામ: ચિરાગની બેઠકો પર ઉમેદવાર ઉતારીને નીતિશ કુમારે ભાજપના ગણિત પર પાણી ફેરવ્યું
આ રેસમાં જન સુરાજ પાર્ટીના પ્રશાંત કિશોર પણ પાછળ નથી. તેમણે પણ જાણીતા ભોજપુરી ગાયક અને અભિનેતા રિતેશ પાંડેને રોહતાસ જિલ્લાની કરગહર બેઠક પરથી ઉમેદવાર બનાવ્યા છે. આમ, બિહારની ચૂંટણીમાં હવે ભાજપના મંચ પર મૈથિલી ઠાકુર અને આરજેડીના મંચ પર ખેસારી લાલ યાદવ સાથે ‘મૈથિલી વિરુદ્ધ ભોજપુરી’નો સુરીલો સંગ્રામ જોવા મળશે.