નેશનલ

બિહારમાં કોની સરકાર? Exit Pollsની આગાહી અંગે NDA અને મહાગઠબંધન નેતાઓએ શું કહ્યું?

પટના: બિહાર વિધાનસભા ચૂંટણીના મતદાન માટે મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો, ગઈ કાલે યોજાયેલા બીજા તબક્કામાં લગભગ 69 ટકા મતદાન નોંધાયું, બંને તબક્કા મળીને કુલ લગભગ 66 ટકા મતદાન નોંધાયું, જે ગત વિધાનસભા ચૂંટણી કરતા લગભગ 9.6 ટકા વધુ છે. પરિણામ શુક્રવારે જાહેર થશે એ પહેલા કેટલાક એક્ઝિટ પોલ્સમાં નેશનલ ડેમોક્રેટિક અલાયન્સ(NDA)ની જીતની આગાહી કરવામાં આવી છે, NDA નેતા એક્ઝિટ પોલ્સને આવકારી રહ્યા છે, તો મહાગઠબંધનના નેતાઓ તેને નકલી ગણાવી રહ્યા છે.

ગઈ કાલે બીજા અને અંતિમ તબક્કાનું મતદાન પૂર્ણ થયા બાદ મેટ્રિઝ, પી-માર્ક, પીપલ્સ પલ્સ, ભાસ્કર, પીપલ્સ ઇનસાઇટ, JVC અને પોલ ડાયરી જેવા એક્ઝિટ પોલ્સમાં અંદાજ લગાવવામાં આવ્યો કે બિહારની કુલ 243 વિધાનસભા બેઠકોમાંથી NDA ને 130થી વધુ બેઠકો મળી શકે છે, જે બહુમતના આંકડા 122થી વધુ છે. જ્યારે એક ન્યુઝ પોર્ટલ જર્નો મિરરે અંદાજ આપ્યો કે મહાગઠબંધનને ઓછામાં ઓછી 130-140 બેઠકો મળી શકે છે, જયારે NDAને 100-110 બેઠકો મળશે.

ભાજપે એક્ઝિટ પોલ્સને આવકાર્યા:

જાહેર થયેલા એક્ઝિટ પોલ્સને કારણે ભાજપ અને સાથી પક્ષોનો ઉત્સાહ વધ્યો છે. ભાજપના સાંસદ દિનેશ શર્માએ એક્ઝિટ પોલ્સનું આવકાર્યા, તેમણે કહ્યું કે બિહારમાંથી આરજેડી અને કોંગ્રેસની સફાઈ શરૂ થઈ ગઈ છે. આ વખતના પરિણામો સૌને ચોંકાવી દેશે.

ભાજપના સાંસદ મનોજ તિવારીએ કહ્યું કે મહાગઠબંધને ચૂંટણી પરિણામો પહેલા જ હાર સ્વીકારી લીધી છે. પ્રચાર દરમિયાન અમને જે સમર્થન મળ્યું એ એક્ઝિટ પોલમાં દેખાઈ રહ્યું છે.

બિહારના નાયબ મુખ્ય પ્રધાન વિજય કુમાર સિંહાએ કહ્યું કે એક્ઝિટ પોલ દર્શાવે છે કે લોકોને વડાપ્રધાન મોદી અને મુખ્ય પ્રધાન નીતિશ કુમાર પર વિશ્વાસ છે. તેમણે કહ્યું કે NDAને એક્ઝિટ પોલ્સ કરવા વધુ બેઠકો મળશે.

મહાગઠબંધને એક્ઝિટ પોલ્સને નકાર્યા:

NDA નેતા એક્ઝિટ પોલનું સ્વાગત કરી રહ્યા છે, જ્યારે મહાગઠબંધને એક્ઝિટ પોલને ફગાવી દીધા છે. મહાગઠબંધનનું માનવું છે કે બિહાર ચૂંટણીના બંને તબક્કામાં રેકોર્ડ મતદાન સત્તા પરિવર્તનના સંકેત આપે છે.

રાષ્ટ્રીય જનતા દળ(RJD) સાંસદ સુધાકર સિંહે જણાવ્યું હતું “વધુ મતદાનને હંમેશા સત્તાધારી સરકાર સામે લોકોના જનાદેશ તરીકે જોવામાં આવે છે. આપણે અંતિમ પરિણામની રાહ જોવી જોઈએ. મને વિશ્વાસ છે કે ‘મહાગઠબંધન’ બિહારમાં સરકાર બનાવશે. એક્ઝિટ પોલ વાસ્તવિક નથી”.

ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્ય પ્રધાન અને સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવે એક્ઝિટ પોલ્સને “પૂર્વયોજિત” અને “બનાવટી” ગણાવ્યા. તેમણે બિહારમાં સત્તા પરિવર્તન માટે મતદાન કરવા બદલ બિહારની જનતાના વખાણ કર્યા.

યાદવે એક્ઝિટ પોલના ડેટા અંગે મીડિયા પર કટાક્ષ કરતા અખિલેશ યાદવે કહ્યું, “‘જીસકા દાના ઉસકા ગાના’”

અખિલેશ યાદવે કહ્યું કે 2024ની લોકસભા ચૂંટણી દરમિયાનના એક્ઝિટ પોલની આગાહીઓ ખોટી સાબિત થઈ હતી.

Savan Zalariya

અમદાવાદ સ્થિત પત્રકાર અને નાટ્ય દિગ્દર્શક. વર્ષ 2022થી મુંબઈ સમાચાર સાથે રિપોર્ટર તરીકે ફરજ બજાવી રહ્યા છે. દેશ-વિદેશમાં બનતી મહત્વની ઘટનાઓ, સરકારી નીતિઓ અને ક્રિકેટજગતની ઘટનાઓનું ઊંડુ જ્ઞાન ધરાવે છે. અમદાવાદ-ગુજરાતના નાટ્યજગત સાથે જોડાયેલા છે.

સંબંધિત લેખો

Back to top button