બિહારમાં કોનું રાજ મહાગઠબંધન યા એનડીએ, એક્ઝિટ પોલે કોની બનાવી સરકાર?

બીજા તબક્કામાં 68.48 ટકા મતદાન, વિક્રમી વોટિંગથી તૂટ્યા અનેક રેકોર્ડ્સ
પટણા: બિહાર વિધાનસભાની 243 બેઠકો માટે બે તબક્કામાં મતદાન પૂર્ણ થયું છે. પ્રથમ તબક્કો 6 નવેમ્બરે અને બીજો તબક્કો મંગળવારે યોજાયો હતો. હવે સમગ્ર રાજ્યની નજર 14 નવેમ્બરના રોજ થનારી મતગણતરી અને અંતિમ પરિણામો પર છે. જોકે, ચૂંટણી પૂરી થયા બાદ વિવિધ એક્ઝિટ પોલ જાહેર થઈ ગયા છે. આવો, જાણીએ એક્ઝિટ પોલ શું કહી રહ્યો છે. વિવિધ સમાચાર એજન્સી દ્વારા સત્તાધારી ગઠબંધનને સરકાર બનાવવાની તક મળી શકે એવી અટકળો કરવામાં આવી છે, પરંતુ આજના બીજા તબક્કાના મતદાનમાં નવા રેકોર્ડનું નિર્માણ થયું છે.
NDA અને INDI. મહાગઠબંધન વચ્ચે મુકાબલો
આ ચૂંટણી મુખ્યત્વે શાસક NDA (નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ) અને INDI મહાગઠબંધન વચ્ચે છે. આ સિવાય ત્રીજા પક્ષ તરીકે પ્રશાંત કિશોરની જન સૂરજ પાર્ટી પ્રથમ વખત મેદાનમાં આવી છે. બિહાર વિધાનસભાની ચૂંટણીમાં NDA ગઠબંધનમાંથી BJP 101 બેઠક, JDU 101 બેઠક, LJP(R) 29 બેઠક, RLM 6 બેઠક તથા HAM 6 બેઠક પર પોતાના ઉમેદવારોને ચૂંટણી લડાવી હતી. જ્યારે INDI મહાગઠબંધનમાંથી RJD 143 બેઠક, INC 61 બેઠક, CPIML 20 બેઠક, VIP 13 બેઠક, CPI(M) 4 બેઠક તથા CPI 9 બેઠક પર પોતાના ઉમેદવારોને ચૂંટણી લડાવી હતી.
આ પણ વાંચો : બિહાર વિધાનસભા ચૂંટણીમાં પ્રથમ તબક્કાનું મતદાન પૂર્ણ: અહીં થયું રેકોર્ડબ્રેક 64.66 ટકા મતદાન
એક્ઝિટ પોલનો ટ્રેન્ડ: NDA તરફ ઝુકાવ
મતદાન પૂર્ણ થતાં જ વિવિધ એક્ઝિટ પોલ જાહેર થયા છે, જેમાં મોટા ભાગના પોલમાં NDA ગઠબંધનની જીતવાની અપેક્ષા વ્યક્ત કરી છે. મેટ્રિસીસ-IANS એક્ઝિટ પોલ મુજબ NDAને 48 ટકા અને મહાગઠબંધનને 37 ટકા મત મળવાની ધારણા છે. કેટલાક એક્ઝિટ પોલ નીચેના કોષ્ટકમાં આપેલ છે.

આ પણ વાંચો : બિહાર વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાન માટે પ્રચાર પડધમ શાંત, 6 નવેમ્બરે મતદાન
ઉલ્લેખનીય છે કે, બિહાર વિધાનસભામાં કુલ 243 બેઠક છે. સરકાર રચવા માટે કોઈપણ પક્ષ અથવા ગઠબંધનને 122 બેઠકો જીતવી જરૂરી છે. હાલ બિહારમાં JDU અને BJPના ઘટક પક્ષો ધરાવતી NDA સરકાર છે. બિહારમાં કોની સરકાર બનશે? એ 14 નવેમ્બર, 2025ના રોજ નક્કી થશે.
આજના બીજા તબક્કામાં 20 જિલ્લાની 122 સીટ પર 68.48 ટકા મતદાન થયું હતું, જે બિહારના ચૂંટણીના મતદાનમાં નવો ઈતિહાસ રચ્યો છે. બીજા તબક્કામાં 1,302 ઉમેદવારનું ભાવિ ઈવીએમમાં કેદ થયું છે, જ્યારે પરિણામે 14મી નવેમ્બરના શુક્રવારે આવશે. પહેલા તબક્કામાં 18 જિલ્લાની 121 બેઠક પર 65 ટકાથી વધુ મતદાન થયું હતું. સાંજના પાંચ વાગ્યા સુધીના આંકડા પ્રમાણે કુલ 68 ટકાથી વધુ મતદાન થયું છે, જેમાં સૌથી વધુ કિશનગંજમાં 76.26 ટકા થયું હતું.
(ડિસ્કેલેમર: ‘મુંબઈ સમાચાર’ એક્ઝિટ પોલની પુષ્ટી કરતું નથી. તેમજ એક્ઝિટ પોલ અંતિમ પરિણામ નથી.)



