બિહાર વિધાનસભાની ચૂંટણીની મતગણતરીને લઈને ચૂંટણી પંચ સજ્જ: જાણો કેવી કરી છે તૈયારી

પટણા: બિહારમાં વિધાનસભાની ચૂંટણી યોજાઈ ગઈ. 6 અને 11 નવેમ્બર એમ બે તબક્કામાં રોકોર્ડ બ્રેક 67.13 ટકા મતદાન થયું હતું. હવે દરેકની નજર આ ચૂંટણીના પરિણામ પર છે. 14 નવેમ્બરના રોજ બિહાર વિધાનસભાની ચૂંટણીનું પરિણામ જાહેર થવાનું છે. જેને લઈને ચૂંટણી પંચે મતગણતરી માટેની તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે.
1951 બાદ થયું સૌથી વધુ મતદાન
બિહાર વિધાનસભાની 243 બેઠકો માટે તાજેતરમાં યોજાયેલી ચૂંટણીમાં 1951 પછીનું સૌથી વધુ 67.13% મતદાન નોંધાયું હતું. ચૂંટણી પંચે 14 નવેમ્બર, 2025ના રોજ સરળ અને પારદર્શક મતગણતરી માટેની તમામ જોગવાઈઓ કરી છે. તમામ વિધાનસભા મતવિસ્તારોમાં મતગણતરીની વ્યવસ્થા કરવામાં આવી છે. મતગણતરી 14 નવેમ્બર, 2025ના રોજ સવારે 8:00 વાગ્યે શરૂ થશે. ECIની સૂચના મુજબ, સૌપ્રથમ પોસ્ટલ બેલેટની ગણતરી શરૂ થશે, ત્યારબાદ સવારે 8:30 વાગ્યે EVM ગણતરી શરૂ થશે. પોસ્ટલ બેલેટની ગણતરી EVM ગણતરીના અંતિમ તબક્કા પહેલા પૂર્ણ કરવી આવશ્યક છે.
આ પણ વાંચો : બિહાર વિધાનસભા ચૂંટણી: ગુજરાતના ૧૦ IAS અધિકારીઓની નિરીક્ષક તરીકે નિમણૂક
243 રિટર્નિંગ અધિકારીઓ (RO) અને 243 મતગણતરી નિરીક્ષકો દ્વારા ગણતરી હાથ ધરવામાં આવશે. 4,372 મતગણતરી ટેબલ ગોઠવવામાં આવ્યા છે. દરેક ટેબલ પર એક મતગણતરી નિરીક્ષક, મતગણતરી સહાયક અને માઇક્રો-ઓબ્ઝર્વર હાજર રહેશે. ઉમેદવારો દ્વારા નિયુક્ત 18,000થી વધુ મતગણતરી એજન્ટો પણ સમગ્ર પ્રક્રિયાનું નિરીક્ષણ કરશે.
EVM અને VVPAT ચકાસણી
EVM ગણતરી દરમિયાન, કંટ્રોલ યુનિટને ગણતરી એજન્ટોની હાજરીમાં લાવવામાં આવે છે, જેથી સીલ અને સીરીયલ નંબર ફોર્મ 17C (ભાગ I) ના રેકોર્ડ સાથે મેળ ખાય છે કે નહીં તેની ખાતરી કરી શકાય. EVMમાં નોંધાયેલા મતોની સંખ્યા ફોર્મ 17Cમાં નોંધાયેલા રેકોર્ડ સાથે મેળ ન ખાય તો VVPAT સ્લિપની ગણતરી ફરજિયાત છે. EVM ગણતરી પૂર્ણ થયા પછી, VVPAT ચકાસણી માટે દરેક મતવિસ્તારમાંથી પાંચ મતદાન મથકો રેન્ડમલી પસંદ કરવામાં આવશે અને તેના સ્લિપ EVM પરિણામો સાથે મેચ કરવામાં આવશે.
આ પણ વાંચો : બિહાર વિધાનસભા ચૂંટણીમાં પ્રથમ તબક્કાનું મતદાન પૂર્ણ: અહીં થયું રેકોર્ડબ્રેક 64.66 ટકા મતદાન
અફવાઓથી દૂર રહેવાની સલાહ
ઉલ્લેખનીય છે કે, EVMની વિશ્વસનીયતા પર વિશ્વાસ દર્શાવતા 2,616 ઉમેદવારો કે 12 માન્ય રાજકીય પક્ષો તરફથી રાજ્યભરના કોઈપણ 38 જિલ્લામાંથી પુનઃમતદાનની કોઈ વિનંતી દાખલ કરવામાં આવી નથી. અંતિમ મતદાર યાદીમાં 7,45,26,858 મતદારો નોંધાયા હતા. આ ચૂંટણીના પરિણામો RO દ્વારા રાઉન્ડવાર અને મતવિસ્તારવાર સંકલિત કરવામાં આવશે અને ECIના સત્તાવાર પોર્ટલ https://results.eci.gov.in પર ઉપલબ્ધ કરાવવામાં આવશે. ECI એ તમામ નાગરિકો અને મીડિયાને સચોટ માહિતી માટે માત્ર આ પોર્ટલ પર આધાર રાખવા અને અફવાઓથી દૂર રહેવાની સલાહ આપી છે.



