બિહાર મતદાર યાદીમાં નેપાળી-બાંગ્લાદેશી ઘૂસણખોરો નામઃ ચૂંટણી પંચ એક્શનમાં!

પટના: બિહારમાં ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદીના સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR)ને તપાસ હાથ ધરી હતી. આ તપાસમાં ચોંકાવનારા ખુલાસા થયા છે. SIR દ્વારા ઘરે ઘરે ચેકિંગ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન જાણવા મળ્યું કે મતદાર યાદીમાં નેપાળ, બાંગ્લાદેશથી ગેરકાયદે રીતે ભારતમાં ઘૂસણખોરોની સંખ્યા વધુ છે. ચૂંટણી પંચે આવા લોકોની ઓળખ કરીને તેમના નામ મતદાર યાદીમાંથી દૂર કરવાની તૈયારી કરી રહ્યું છે, જેથી મતદાન પ્રક્રિયા પારદર્શી અને વિશ્વસનીય રહે.
ચૂંટણી પંચના ઉચ્ચ સૂત્રોના જણાવ્યા અનુસાર, બૂથ લેવલ અધિકારીઓ (BLO) દ્વારા કરવામાં આવેલી તપાસમાં ગેરકાયદે રીતે રહેતા વિદેશી નાગરિકોની માહિતી મળી છે. આ લોકોના નામ 1 ઓગસ્ટ 2025ના રોજ પ્રકાશિત થનારી યાદીમાંથી બાદ કરવામાં આવશે. અંતિમ મતદાર યાદી 30 સપ્ટેમ્બર 2025ના રોજ જાહેર થશે, જેમાં આવા નામો સામેલ નહીં હોય. આ સાથે, પંચ આવા લોકોની સંખ્યા અંગેના આંકડા પણ જાહેર કરે તેવી શક્યતા છે.
અત્યાર સુધીમાં 80 ટકાથી વધુ મતદારોએ તેમની માહિતી જેમ કે નામ, સરનામું, જન્મ તારીખ, આધાર નંબર અને મતદાર આઈડી નંબર સહિતના ફોર્મ ભરીને જમા કરાવી દીધા હોવાનો દાવો કરવામાં આવ્યો છે. ચૂંટણી પંચે આ કામગીરી માટે 25 જુલાઈની અંતિમ તારીખ નક્કી કરી છે, પરંતુ આશા છે કે આ કાર્ય નિર્ધારિત સમયગાળા પહેલાં પૂર્ણ થઈ જશે. જે મતદારોના નામ યાદીમાં સામેલ નહીં હોય, તેઓ નોંધણી અધિકારી, જિલ્લા ચૂંટણી અધિકારી કે રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી સમક્ષ દસ્તાવેજો સાથે નામ નોંધવા માટે અપીલ કરી શકશે.
આ વચ્ચે આરજેડી નેતા તેજસ્વી યાદવે ચૂંટણી પંચના દાવાઓ પર સવાલ ઉઠાવ્યા હતા. તેમનું કહેવું છે કે પંચનો 80 ટકા ફોર્મ ભરાઈ ગયાનો દાવો હકીકતથી વિપરીત છે. ઘણા મતદારોને તો ખબર જ નથી કે તેમનું ફોર્મ ભરાઈ ગયું છે. તેમણે એમ પણ જણાવ્યું કે ફોર્મની સત્યતા અંગે પંચે સ્પષ્ટતા કરવી જોઈએ. આ ઉપરાંત, સુપ્રીમ કોર્ટની સલાહ છતાં દસ્તાવેજો અંગે સ્પષ્ટ સૂચનાઓનો અભાવ હોવાથી મતદારો અને BLOમાં મૂંઝવણ જોવા મળી રહી છે.
મતદાર યાદીમાં નામ નોંધાવવા માટે BLO દ્વારા શૈક્ષણિક પ્રમાણપત્ર, જાતિ પ્રમાણપત્ર, રાષ્ટ્રીય નાગરિક રજિસ્ટર, પાસપોર્ટ, પરિવાર રજિસ્ટર, 1 જુલાઈ 1987 પહેલાંના બેંક કે અન્ય સંસ્થાના પ્રમાણપત્રો, વન અધિકાર પ્રમાણપત્ર, નોકરીનું અથવા પેન્શનનું આઈડી, સ્થાયી નિવાસ પ્રમાણપત્ર, જમીન કે મકાનની ફાળવણી/ભોગવટાના દસ્તાવેજો અને જન્મ પ્રમાણપત્ર જેવા દસ્તાવેજો માંગવામાં આવે છે.