
જયપુર: આજે સવારે રાજસ્થાનના ઝાલાવાડ જીલ્લામાં એક ગોઝારી ઘટના બની છે. જીલ્લાના પીપલોડી ગામમાં એક સરકારી શાળાની ઈમારતની છત ધરાશાયી થતાં 4 લોકોના મોત (School Building collapse in Rajsthan) થયા છે, આ ઉપરાંત 60 થી વધુ બાળકો કાટમાળ હેઠળ દટાયા હોવાની શક્યતા છે, હાલ બચાવ કાર્ય ચાલી રહ્યું છે.
અહેવાલ મુજબ જર્જરિત સ્થિતિમાં રહેલી ઈમારતની છત તૂટી પડી ત્યારે પ્રાર્થના સભા ચાલી રહી હતી. ઘટના બનતા સમગ્ર વિસ્તારમાં ભાગદોડ મચી ગઈ છે, વહીવટીતંત્રના અધિકારીઓ અને રેસ્ક્યુ ટીમ ઘટનાસ્થળે પહોંચી રહી છે.
સ્થાનિકો બચાવ કાર્યમાં જોડાયા છે. હાલ JCB મશીનની મદદથી કાટમાળ દૂર કરવામાં આવી રહ્યો છે. ઘાયલ બાળકોને સ્થાનિક પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં લઇ જવામાં આવી રહ્યા છે. હજુ સુધી 4 લોકોના મોતની પુષ્ટિ કરવામાં આવી છે, મૃત્યુઆંક ઝડપથી વધી શકે છે.
એક અહેવાલ મુજબ શાળાની ઇમારત જર્જરિત હોવા અંગે અગાઉ ઘણી ફરિયાદો ઉઠાવવામાં આવી હતી.