સુરક્ષા એજન્સીઓને મોટી સફળતા! જ્યોર્જિયા અને અમેરિકાથી બે મોસ્ટ વોન્ટેડ ગેંગસ્ટરની ધરપકડ

નવી દિલ્હી: ભારતની સુરક્ષા એજન્સીઓને આંતરરાષ્ટ્રીય સ્તરે એક મોટી સફળતા મળી છે. હરિયાણા પોલીસ અને સુરક્ષા એજન્સીઓએ મળીને 2 મોસ્ટ વોન્ટેડ ગેંગસ્ટર વેંકટેશ ગર્ગને જ્યોર્જિયાથી અને ભાનુ રાણાને અમેરિકાથી ધરપકડ કરવામાં આવ્યા છે. બંનેને ભારત લાવવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. વેંકટેશ ગર્ગને જ્યોર્જિયાથી અને ભાનુ રાણાને અમેરિકાથી દેશનિકાલ કરવામાં આવશે.
હકીકતમાં, ભારતના બે ડઝનથી વધુ મોટા ગેંગસ્ટર દેશની બહાર છે, જેઓ નવા લોકોની ભરતી કરીને ગુનાહિત ટોળકીઓ ચલાવી રહ્યા છે. તપાસ એજન્સીઓ મુજબ, આ ગેંગસ્ટરો વિદેશમાં બેસીને ભારતમાં પોતાના સિન્ડિકેટનું સંચાલન કરે છે. આમાં ગોલ્ડી બ્રાર, કપિલ સાંગવાન, અનમોલ બિશ્નોઈ, હેરી બોક્સર, હિમાંશુ ભાઉ જેવા નામો સામેલ છે. આ ગુંડાઓ પોર્ટુગલ, કેનેડા, અમેરિકા, ઇંગ્લેન્ડ અને UAE જેવા દેશોમાં સક્રિય છે અને ભારતમાં અપરાધના મૂળિયા મજબૂત કરી રહ્યા છે.
વેંકટેશ ગર્ગ કોણ છે?
વેંકટેશ ગર્ગ હરિયાણાના નારાયણગઢનો રહેવાસી છે અને તેની વિરુદ્ધ હત્યા, લૂંટ અને ખંડણીના ૧૦થી વધુ કેસ નોંધાયેલા છે. વેંકટેશ ગુરુગ્રામમાં બસપા (BSP) નેતાની હત્યામાં સામેલ હતો. ત્યારબાદ વેંકટેશ નકલી પાસપોર્ટ દ્વારા વિદેશ ભાગી ગયો અને જ્યોર્જિયાને પોતાનું નવું ઠેકાણું બનાવ્યું છે. તપાસ એજન્સીઓ મુજબ, વેંકટેશ ગર્ગ જ્યોર્જિયામાં બેસીને નવા શૂટરોની ભરતી કરી રહ્યો હતો. દિલ્હીમાં તાજેતરમાં થયેલા ગોળીબારમાં પકડાયેલા આરોપીઓની પૂછપરછમાં આ માહિતી સામે આવી છે. તે સોશિયલ મીડિયા દ્વારા યુવાનોને પૈસાની લાલચ આપીને પોતાની ગેંગમાં ભરતી કરી રહ્યો હતો. ગર્ગ કપિલ સાંગવાન સાથે મળીને ખંડણી (એક્સ્ટોર્શન)નું પણ સિન્ડિકેટ ચલાવી રહ્યો હતો.
જ્યારે, ભાનુ રાણા હરિયાણાના કરનાલનો રહેવાસી છે અને તે લોરેન્સ બિશ્નોઈ ગેંગ સાથે જોડાયેલો છે. ભાનુ રાણા હથિયારોના સપ્લાયનું નેટવર્ક સંભાળે છે. કરનાલ સ્પેશિયલ ટાસ્ક ફોર્સે (STF) તેના ઈશારે કામ કરી રહેલા બે લોકોને હથિયારો સાથે પકડ્યા હતા. ભાનુ રાણાનું નેટવર્ક હરિયાણા, પંજાબ અને દિલ્હી સુધી ફેલાયેલું છે. ભાનુ રાણાનો લાંબો ગુનાહિત ઇતિહાસને છે અને અનેક કેસમાં તે આરોપી છે.
આપણ વાંચો: ‘ભારતમાં કોઈ બિન-હિંદુ નથી, મુસ્લિમો-ઈસાઈઓના પૂર્વજો પણ હિંદુ જ છે.’ મોહન ભાગવતનું મોટું નિવેદન



