દિલ્હી પોલીસને મોટી સફળતા, કૅનેડામાં કપિલ શર્માના કૅફે પર ફાયરિંગ કરાવનાર ગૅંગસ્ટરની ધરપકડ

નવી દિલ્હી: દિલ્હી પોલીસની ક્રાઇમ બ્રાન્ચે કોમેડિયન કપિલ શર્માના કૅનેડા સ્થિત ‘કૅપ્સ કૅફે’ પર ફાયરિંગ કરાવનાર માસ્ટર માઇન્ડની દિલ્હીમાંથી ધરપકડ કરી છે. પકડાયેલા આ ગૅંગસ્ટરની ઓળખ બંધુ માન સિંહ સેખોં તરીકે થઈ છે.
તે ગોલ્ડી ઢિલ્લોન ગૅંગનો ભારત-કૅનેડા આધારિત હેન્ડલર હોવાનું કહેવાય છે અને તેની સામે અનેક ગુનાહિત કેસ નોંધાયેલા છે. ક્રાઇમ બ્રાન્ચે તેની પાસેથી એક હાઈ-એન્ડ PX-3 પિસ્તોલ અને ૮ જીવતા કારતૂસ જપ્ત કર્યા છે.

કૅનેડાના સરે વિસ્તારમાં આ વર્ષે જુલાઈમાં ખુલેલા કપિલ શર્માના ‘કૅપ્સ કૅફે’ને સૌપ્રથમ ૧૦ જુલાઈએ અજાણ્યા લોકોએ નિશાન બનાવ્યું હતું. ત્યારબાદ ૭ ઑગસ્ટ અને ૧૬ ઑક્ટોબરે કૅફે પર વધુ બે હુમલા થયા હતા. સદનસીબે, આ ત્રણેય ઘટનાઓમાં કોઈને ઈજા થઈ ન હતી.

બુધવારે મુંબઈમાં કપિલ શર્માએ આ ઘટનાઓ અંગે પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે તેમના કૅફે પર ફાયરિંગની આ ત્રણ ઘટનાઓએ કૅનેડિયન અધિકારીઓને દેશમાં આવા હુમલાઓ સામે પગલાં લેવાની ફરજ પાડી છે. તેમણે કહ્યું કે “મને લાગે છે કે ત્યાંના નિયમો અને પોલીસ પાસે કદાચ આવી ઘટનાઓને નિયંત્રિત કરવાની શક્તિ નથી. પરંતુ જ્યારે અમારો કેસ થયો, ત્યારે તે સરકાર પાસે ગયો અને કૅનેડાની સંસદમાં તેના પર ચર્ચા થઈ હતી.”

કપિલ શર્માએ હુમલાઓ છતાં પોઝિટિવ દૃષ્ટિકોણ અપનાવતા કહ્યું કે, “વાસ્તવમાં, ગોળીબારની દરેક ઘટના પછી, અમારા કૅફેમાં વધુ સંખ્યામાં લોકો આવ્યા છે. તેથી જો ભગવાન મારી સાથે છે તો બધું બરાબર છે.” તેમણે જણાવ્યું કે હુમલાઓ પછી ઘણા લોકોએ તેમનો સંપર્ક કર્યો હતો.
શર્માએ વધુમાં ઉમેર્યું, “મારું માનવું છે કે ભગવાન જે કંઈ પણ કરે છે, તેની પાછળની સ્ટોરી આપણને ખબર પડતી નથી… મને ત્યાંથી ઘણા લોકોના કૉલ આવ્યા જેમણે મને જણાવ્યું કે ઘણું બધું થઈ રહ્યું હતું, પરંતુ મારા કૅફેમાં ગોળીબાર થયા પછી, આ એક સમાચાર બની ગયા છે અને હવે ત્યાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સુધારવા માટે પગલાં લેવામાં આવી રહ્યા છે.”



