
જયપુર : ઓપરેશન સિંદુર બાદ ભારતમાંથી પાકિસ્તાન માટે જાસૂસી કરતાં અનેક લોકોની ધરપકડ કરવામાં આવી છે. જેમાં હાલમાં રાજસ્થાન પોલીસે ભરતપુરમાંથી કાસિમ નામના વ્યક્તિની ધરપકડ કરી છે. જેની પૂછપરછમાં અનેક ચોંકાવનારા ખુલાસા પ્રકાશમાં આવ્યા છે. જેમાં જાણવા મળ્યું છે કે, રાજસ્થાનના ડીગ જિલ્લાના ગંગોરા ગામનો રહેવાસી કાસિમ પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી આઈએસઆઈ માટે કામ કરતો હતો. તે અગાઉ દિલ્હીમાં રહેતો હતો.
કાસિમને દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલને સોંપ્યો
સૂત્રોના જણાવ્યા અનુસાર, કાસિમને પહેલી વાર 23 મેના રોજ રાજસ્થાન પોલીસે પકડ્યો હતો. ત્યારથી તેની સતત પૂછપરછ કરવામાં આવી રહી હતી. કેન્દ્રીય તપાસ એજન્સીઓએ પણ લાંબા સમય સુધી કાસિમની પૂછપરછ કરી છે. આ પછી રાજસ્થાન પોલીસે કાસિમને દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલને સોંપ્યો છે. કાસિમ પૂછપરછમાં ખુલાસો થયો છે કે કાસિમની કાકી પાકિસ્તાનમાં રહે છે. કાસિમ ગત વર્ષે અને આ વર્ષે બે વાર પાકિસ્તાન ગયો હતો.
સિમ કાર્ડ પાકિસ્તાન મોકલવામાં આવી રહ્યા હતા
જ્યારે કાસિમ પર એનઆઇએને ત્યારે શંકા ગઈ જયારે ભારતીય સિમ કાર્ડ પાકિસ્તાન મોકલવામાં આવી રહ્યા હોવાની તપાસમાં હાથ ધરવામાં આવી હતી. જેમાં સપ્ટેમ્બર 2024 માં તપાસ એજન્સીઓને માહિતી મળી હતી કે કેટલાક ભારતીય મોબાઇલ નંબરોનો ઉપયોગ પાકિસ્તાની ગુપ્તચર એજન્ટોનો સંપર્ક કરવા માટે કરવામાં આવી રહ્યો હતો. આ નંબરો દ્વારા ભારતમાં જાસૂસી કરવામાં આવી રહી છે અને સંવેદનશીલ માહિતી પાકિસ્તાન મોકલવામાં આવી રહી છે. આ સિમ કાર્ડ પાકિસ્તાન મોકલવામાં આવી રહ્યા હતા અને વોટ્સએપ દ્વારા ભારતીયોનો સંપર્ક કરીને સેના અને સરકારી કચેરીઓ સંબંધિત સંવેદનશીલ માહિતી મેળવવામાં આવી રહી હતી.
લગભગ 90 દિવસ પાકિસ્તાનમાં રહ્યો
જ્યારે આ મામલાની તપાસ કરવામાં આવી ત્યારે ભરતપુરના રહેવાસી કાસિમનું નામ પ્રકાશમાં આવ્યું. કાસિમ ઓગસ્ટ 2024 અને પછી માર્ચ 2025માં પાકિસ્તાન ગયો હતો. તે લગભગ 90 દિવસ પાકિસ્તાનમાં રહ્યો હતો અને આઈએસઆઈના લોકોને મળ્યો હતો. જેના પગલે તેની વિરુદ્ધ વિવિધ કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે અને કાસિમની ધરપકડ કરી અને તેને પોલીસ રિમાન્ડ પર મોકલવામાં આવ્યો હતો.
આ પણ વાંચો….રાજસ્થાનમાંથી ઝડપાયો વધુ એક જાસૂસ, પાકિસ્તાન કનેક્શન પ્રકાશમાં આવ્યું