
નવી દિલ્હી : જમ્મુ કાશ્મીરના પહેલગામમાં મંગળવારે થયેલા આતંકી હુમલાની સુરક્ષા એજન્સીઓએ ઝીણવટભરી તપાસ હાથ ધરી છે. તેમજ આ હુમલા પાછળ સંડોવાયેલા લોકોની તપાસ કરી રહી છે. તેમજ આ હુમલામાં ઘાયલ લોકોની પૂછપરછ કરીને આ સમગ્ર ઘટનાક્રમને સમજાવવાનો પણ પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ત્યારે આ આતંકવાદી હુમલાની તપાસમાં એક મોટો ખુલાસો થયો છે. તપાસ અધિકારીઓએ જણાવ્યું હતું કે હુમલાનો ભોગ બનેલા લગભગ 20 પુરુષોના પેન્ટ નીચે ઉતારેલા હતા અને પેન્ટની ચેન ખુલેલી હતી. જ્યારે અધિકારીઓએ હુમલામાં માર્યા ગયેલા તમામ 26 ગોળીઓથી વીંધાયેલા મૃતદેહોની પ્રાથમિક તપાસ હાથ ધરી હતી. જેમાં પુષ્ટિ મળી હતી કે આતંકવાદીઓએ પ્રવાસીઓને મારી નાખતા પહેલા તેમને વિશ્વાસમાં લીધા હતા.
એફઆઇઆરમાં આ અંગે વિગતવાર જણાવવામાં આવશે
જ્યારે મીડીયા અહેવાલ મુજબ, સેના, જમ્મુ અને કાશ્મીર પોલીસ અને જમ્મુ અને કાશ્મીર વહીવટીતંત્રના અધિકારીઓની એક ટીમ દ્વારા કરવામાં આવેલી તપાસમાં જાણવા મળ્યું છે કે 26 પીડિતોમાંથી 20 લોકોના કપડાં બળજબરીથી કાઢી નાખવામાં આવ્યા હતા.તેમની પેન્ટની ચેન ખોલી નાખવામાં આવી હતી અને તેમના પેન્ટ નીચે ખેંચી લેવામાં આવ્યા હતા. જેનાથી તેમના અંડરવેર અથવા ગુપ્ત અંગો ખુલ્લા પડી ગયા હતા. પીડિતોના સંબંધીઓ કદાચ એટલા આઘાતમાં હતા કે તેમને શરીર પરના કપડાંની સ્થિતિ પર ધ્યાન ન ગયુ. જ્યારે સ્ટાફે પણ મૃતદેહોને જેમ હતા તેમ ઉપાડ્યા હતા ફક્ત કફનથી ઢાંક્યા હતા. મૃતદેહોની સંપૂર્ણ તપાસ કરવાનું કામ સોંપવામાં આવેલા અધિકારીઓની ટીમ દ્વારા આ વાતનો ખુલાસો થયો છે. એફઆઇઆરમાં આ અંગે વિગતવાર જણાવવામાં આવશે
આતંકવાદીઓએ પુરુષોને ખૂબ નજીકથી ગોળી મારી દીધી હતી.
પહેલગામ હુમલામાં પ્રત્યક્ષદર્શીઓના નિવેદનોએ પુષ્ટિ આપી છે કે આતંકવાદીઓએ દરેક પીડિતનો ધર્મ તપાસ્યો, તેમની પાસેથી આધાર કાર્ડ અથવા ડ્રાઇવિંગ લાઇસન્સ વગેરે જેવા ઓળખ પુરાવા માંગ્યા હતા. તેમને કલમા બોલવા જણાવ્યું હતું અને તેમને તેમના નીચલા કપડાં ઉતારવા કહ્યું જેથી તેઓ સુન્નતની તપાસ કરી શકે. આ ત્રણ વસ્તુઓની તપાસ બાદ તેમની હિન્દુ ઓળખ સ્થાપિત થઈ હતી. તેની બાદ આતંકવાદીઓએ પુરુષોને ખૂબ નજીકથી ગોળી મારી દીધી હતી.
માર્યા ગયેલા 26 પુરુષોમાંથી 25 હિન્દુ હતા
મંગળવારના હુમલામાં માર્યા ગયેલા 26 લોકોમાંથી 25 હિન્દુ હતા. જે બધા પુરુષો હતા.આ દરમિયાન હત્યાકાંડની તપાસમાં વેગ આવ્યો છે. સૂત્રોના જણાવ્યા મુજબ, ત્રાલ, પુલવામા, અનંતનાગ અને કુલગામ જેવા વિવિધ સ્થળોએથી લગભગ 70 ઓવરગ્રાઉન્ડ વર્કર્સ અને જાણીતા આતંકવાદી સમર્થકોની જમ્મુ કાશ્મીર પોલીસ, ઇન્ટેલિજન્સ બ્યુરો અને રૉ અધિકારીઓની સંયુક્ત ટીમ દ્વારા પૂછપરછ કરવામાં આવી રહી છે. અધિકારીઓએ કહ્યું, અમને આશા છે કે અમે શોધને આગળ વધારી શકીશું અને ટૂંક સમયમાં વાસ્તવિક ગુનેગારો સુધી પહોંચી શકીશું.
આ પણ વાંચો…પહેલગામ હુમલા બાદ સુરક્ષા એજન્સીઓએ તપાસ શરૂ કરી, મહિલાના નિવેદન બાદ ખચ્ચર માલિકની ધરપકડ…