પહલગામ આતંકવાદી હુમલા અંગે મોટો ખુલાસો, આંતકીઓએ અગાઉ કરી હતી વિસ્તારની રેકી

નવી દિલ્હી : પહલગામ આતંકવાદી હુમલા અંગે સૂત્રો પાસેથી મોટી માહિતી પ્રકાશમાં આવી છે. જેમાં પ્રાપ્ત માહિતી અનુસાર આતંકવાદીઓ હુમલાના એક અઠવાડિયા પહેલા પહલગામ આવ્યા હતા અને અનેક પર્યટન સ્થળોની રેકી કરી હતી. રેકી કર્યા પછી જ આતંકવાદીઓએ હુમલા માટે બૈસરન ઘાટી પસંદ કરી હતી.
આ સ્થળ પહલગામ શહેરથી લગભગ 6 કિલોમીટર દૂર છે અને તેને ‘મીની સ્વિટ્ઝર્લૅન્ડ’ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ હુમલો 22 એપ્રિલ, 2025 ના રોજ બપોરે 2:45 વાગ્યે થયો હતો.જેમાં પ્રવાસીઓને નિશાન બનાવવામાં આવ્યા હતા. આ આતંકવાદી હુમલામાં 26 લોકો માર્યા ગયા હતા.
આ પણ વાંચો: ડર કે આગે જીત હૈઃ આતંકવાદીઓના સફાયા માટે ભારતના ‘ટાર્ગેટ’ કયા હશે?
પહલગામ આતંકવાદી હુમલો બપોરે 2.45 વાગ્યે થયો
પહલગામ આતંકવાદી હુમલો 22 એપ્રિલ 2025 ના રોજ બપોરે 2:45 વાગ્યે અનંતનાગ જિલ્લાની બૈસરન ઘાટીમાં થયો હતો. આ હુમલાની જવાબદારી લશ્કર-એ-તૈયબા સાથે જોડાયેલા આતંકવાદી સંગઠન ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ (TRF) દ્વારા લેવામાં આવી હતી. શરૂઆતમાં આતંકવાદીઓએ લોકોને તેમનું નામ અને ધર્મ પૂછ્યો. સ્ત્રીઓ અને બાળકોને બાજુ પર ધકેલી દેવામાં આવ્યા અને પુરુષોને ગોળી મારી દેવામાં આવી. આતંકવાદીઓએ પુરુષોને તેમના પેન્ટ પણ ઉતારવા મજબૂર કરી ગુપ્ત ભાગોની તપાસ કરી. આ આતંકવાદી હુમલામાં 26 લોકોએ જીવ ગુમાવ્યા હતા.
આતંકવાદીઓએ લશ્કરી ગણવેશ પહેર્યો હતો
પ્રાપ્ત માહિતી અનુસાર, આતંકવાદીઓએ લશ્કરી ગણવેશ પહેર્યો હતો અને તેમની પાસે AK-47, M4 કાર્બાઇન રાઇફલ્સ અને સ્ટીલ-ટીપ્ડ બખ્તર-વેધક ગોળીઓ પણ હતી. કેટલાક આતંકવાદીઓએ બોડી કેમેરા પણ પહેર્યા હતા.