કૉંગ્રેસને આવકવેરા વિભાગમાંથી મોટી રાહત, ચૂંટણી સુધી રૂ. 3,500 કરોડની વસૂલાત માટે એક્શન નહીં લેવાય

કોંગ્રેસ માટે રાહત મળે તેવા સમાચાર છે. આવકવેરા વિભાગે કોંગ્રેસને 3,500 કરોડની વસુલાત માટે નોટિસ આપી છે, જેનાથી પાર્ટી ઘણી ચિંતિત છે અને લોકસભાની ચૂંટણી દરમિયાન આટલી મોટી કાર્યવાહી પર સવાલ ઉઠાવી રહી છે.
આવકવેરા વિભાગે સોમવારે કોર્ટમાં કહ્યું છે કે તે લોકસભાની ચૂંટણી દરમિયાન કોંગ્રેસ વિરુદ્ધ કોઈ કડક કાર્યવાહી કરશે નહીં. એટલું જ નહીં આ કેસ જૂન સુધી સ્થગિત કરવામાં આવે અને ચૂંટણી પછી જ તેની સુનાવણી હાથ ધરવામાં આવે. આવકવેરા વિભાગે કહ્યું હતું કે તેઓ લોકસભાની ચૂંટણી દરમિયાન કોઈપણ પક્ષની પરેશાનીઓ વધારવા માંગતા નથી અને તેઓ કોંગ્રેસ સામે કોઈ જબરદસ્તી ભર્યું પગલું હશે નહીં.
આવકવેરા વિભાગની આ માગણી બાદ કોર્ટે હવે આ કેસની આગામી સુનાવણી 24મી જુલાઈએ કરવાનો નિર્ણય લીધો છે.
નોંધનીય છે કે ખુદ રાહુલ ગાંધીએ આવકવેરા વિભાગની કાર્યવાહી પર આકરા પ્રહારો કર્યા હતા. હાલમાં જ કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક થઈ હતી. આ બેઠક બાદ રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે એવું લાગે છે કે દેશમાં લોકશાહી ખતમ થઈ ગઈ છે અમારા ખાતાઓ ફ્રીઝ કરી દેવામાં આવ્યા છે અને અમને કરોડોની નોટિસ મોકલવામાં આવી રહી છે અને આમ છતાં દેશની કોર્ટ ચૂંટણી પંચ અને મીડિયા બધા જ મૌન છે. બધા એક સાથે આ તમાશો જોઈ રહ્યા છે. આ લોકશાહીને ખતમ કરવાનું ષડયંત્ર છે