રાહુલ ગાંધીને મોટી રાહત, આ મામલે ઝારખંડ હાઈકોર્ટે બિનજામીન વોરન્ટ પર લગાવ્યો સ્ટે
લોકસભા ચૂંટણી ટાણે આક્રમક બનેલા રાહુલ ગાંધી (Rahul Gandhi)ને ઝારખંડ હાઈકોર્ટે (Jharkhand High Court) મોટી રાહત આપી છે. ભાજપના નેતા અને ગૃહ મંત્રી અમિત શાહ (Amit Shah) વિશે અભદ્ર ટિપ્પણી કરવાના મામલે રાહુલ ગાંધી સામે નીચલી અદાલત દ્વારા આપવામાં ગેરજામીન વોરન્ટ પર એક મહિના માટે હાઈકોર્ટે સ્ટે લગાવી દીધો છે. ઝારખંડ હાઈકોર્ટના ન્યાયાધીશ રાજેશ કુમારની કોર્ટે રાહુલ ગાંધીને આ રાહત આપી હતી.
કેસની સુનાવણી દરમિયાન રાહુલ ગાંધીના એડવોકેટે કોર્ટને અપીલ કરી હતી કે નીચલી અદાલત દ્વારા જારી કરાયેલું બિનજામીનપાત્ર વોરંટ ખોટું છે. આ નિયમ સુસંગત નથી. તેથી તેને રદ અથવા તેના પર સ્ટો લગાવવો જોઈએ. કોર્ટે તેમની વિનંતી સ્વીકારી અને એક મહિના માટે સ્ટે લગાવ્યો હતો.
ઉલ્લેખનિય છે કે વર્ષ 2018માં એક સંમેલનમાં રાહુલ ગાંધીએ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષની નિમણૂકને લઈને પોતાના ભાષણમાં વાંધાજનક ટિપ્પણી કરી હતી. આ જ ટિપ્પણીથી દુઃખી થઈને ઝારખંડના ચાઈબાસા જિલ્લાના પ્રતાપ કટિહારે નીચલી કોર્ટમાં ફરિયાદ અરજી દાખલ કરી હતી. પ્રતાપ કટિહારની અરજી પર સંજ્ઞાન લીધા પછી, નીચલી અદાલતે ચાઈબાસાના સાંસદ અને ધારાસભ્ય માટે રચાયેલી વિશેષ અદાલતમાં સુનાવણી માટે કેસ ટ્રાન્સફર કર્યો હતો.
આ પહેલા કોર્ટે રાહુલ ગાંધીને આ કેસમાં હાજર થવાનો આદેશ આપ્યો હતો. પરંતુ ન તો રાહુલ ગાંધી આવ્યા કે તેમના વકીલ કોઈ કોર્ટમાં પહોંચ્યું નહોંતું. જે બાદ કોર્ટે રાહુલ ગાંધી વિરુદ્ધ બિનજામીનપાત્ર વોરંટ ઈસ્યું કર્યું હતું. દિલ્હી પોલીસને વોરંટ પર અમલ કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો.
બિનજામીનપાત્ર વોરંટ ઈસ્યું થયા બાદ રાહુલ ગાંધીના એડવોકેટે નીચલી કોર્ટમાં જામીન માટે અરજી દાખલ કરી હતી જો કે કોર્ટે તેની અરજી ફગાવી દીધી હતી અને તેમને હાજર થવા આદેશ કર્યો હતો. બાદમાં નીચલી કોર્ટના ચુકાદાને રાહુલ દ્વારા હાઈકોર્ટમાં પડકારવામાં આવ્યો હતો.