નેશનલ

ટ્રેનમાં વેઈટિંગ ટિકિટ પર મુસાફરી કરનારા પ્રવાસીઓ માટે મોટા સમાચાર, જાણો નવો નિયમ

નવી દિલ્હીઃ પહેલી મેથી ભારતીય રેલવેમાં પણ નવા નિયમો લાગુ કરી રહી છે, જે અન્વયે ટ્રેનમાં વેઈટિંગ ટિકિટવાળા પ્રવાસીઓ સ્લિપર જ નહીં, પણ એર કન્ડિશન્ડ (એસી) કોચમાં ટ્રાવેલ નહીં કરી શકે. પહેલી મેથી આ નિયમ અમલી બનશે, એમ સૂત્રોએ જણાવ્યું હતું.

પહેલી મેથી રિઝર્વેશનવાળા પ્રવાસીઓ માટે રાહતના સમાચાર છે, પરંતુ વેઈટિંગવાળા પ્રવાસીઓ હવે સ્લિપર જ નહીં, પરંતુ એસી કોચમાં ટ્રાવેલ નહીં કરી શકે. વેઈટિંગ ટિકિટવાળા પ્રવાસીઓ માટે મજબૂત કાયદા બનાવ્યા છે. લાંબા અંતરની મેલ-એક્સપ્રેસ ટ્રેનમાં વેઈટિંગ ટિકિટ પર ટ્રાવેલ કરવાના હો તો પ્રવાસી જનરલ કોચમાં ટ્રાવેલ કરી શકશે.

આ પણ વાંચો: …તો મુંબઈથી પુણે જવાનું વધુ ઝડપી બનશે, મધ્ય રેલવેના બે કોરિડોરનો પ્રસ્તાવ

બીજી બાજુ ઓનલાઈન ટિકિટ બુકિંગ કરનારા પ્રવાસીઓની ટિકિટ પણ વેઈટિંગમાં રહેશે તો ઓટોમેટિક કેન્સલ થઈ જશે. અમુક સંજોગોમાં લોકો કાઉન્ટર ટિકિટથી લઈને સ્લીપર અને એસી કોચમાં ટ્રાવેલ કરી શકે છે. એના સિવાય જો કોઈ પ્રવાસી વેઈટિંગ ટિકિટ લઈને સ્લીપર અથવા એસી કોચમાં ટ્રાવેલ કરશે તો તેની પાસેથી ટિકિટચેકર દંડ લેશે.

આ મુદ્દે પશ્ચિમ રેલવેના ચીફ પબ્લિક રિલેશન ઓફિસર કેપ્ટન શશી કિરણે કહ્યું હતું કે કન્ફર્મ ટિકિટવાળા પ્રવાસીઓની સુવિધા માટે આ નવો નિયમ લાગુ પાડ્યો છે, જેથી વેઈટિંગવાળા પ્રવાસીઓ કન્ફર્મ ટિકિટવાળા પ્રવાસીઓને પરેશાન કરી શકે નહીં. અમુક કિસ્સામાં વેઈટિંગવાળા પ્રવાસીઓ સ્લિપર અને એસી કોચમાં ઘૂસીને કન્ફર્મ ટિકિટવાળા પ્રવાસીઓને હેરાન કરવાનું પ્રમાણ વધ્યું છે. એના સિવાય વેઈટિંગવાળા પ્રવાસીઓની સંખ્યામાં વધારો થયા પછી ટ્રેનમાં અવરજવર કરવાનું મુશ્કેલ બન્યું છે, તેથી આગામી દિવસોમાં જો તમે વેઈટિંગ ટિકિટ પર ટ્રાવેલ કરશો તો રેલવે એક્ટ પ્રમાણે ટિકિટચેકર તમારી સામે કાર્યવાહી કરીને દંડ લઈ શકે છે, એમ પણ અધિકારીએ જણાવ્યું હતું.

આ પણ વાંચો: કેન્દ્ર સરકારે 18,000 કરોડના રેલવે પ્રોજેક્ટને આપી મંજૂરી…

પહેલી મેથી સ્લિપર અને એસી કોચમાં વેઈટિંગ ટિકિટ પર પ્રવાસીઓને મુસાફરી કરવાની મંજૂરી મળશે નહીં. ફક્ત જનરલ કોચમાં વેઈટિંગ ટિકિટ પર મુસાફરી કરી શકશે. એની સાથે એડવાન્સ ટિકિટ બુકિંગનો સમયગાળો પણ 120 દિવસથી ઘટાડીને 60 દિવસ કરવામાં આવ્યો છે. જોકે, આગામી દિવસોમાં ભાડાં અને રિફંડના ચાર્જમાં પણ વધારો થઈ શકે છે, એવો પણ સૂત્રોએ દાવો કર્યો હતો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button