કરોડો PF ખાતાધારકો માટે આવ્યા માઠા સમાચાર, નાણા મંત્રાલય દ્વારા EPFOને આપવામાં આવ્યો આવો આદેશ…
નવી દિલ્હીઃ કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન એટલે કે EPFO દ્વારા દર નાણાકીય વર્ષ માટે વ્યાજદરમાં ફેરફાર કરવામાં આવે છે. પીએફ ખાતાધારકોને સંબંધિત નાણાકીય વર્ષમાં તેમની જમા રકમ પર આ નક્કી કરવામાં આવેલા સુધારા પ્રમાણે વ્યાજ ચૂકવવામાં આવે છે, પરંતુ પ્રાઈવેટ સેક્ટરમાં કામ કરતા કરોડો કર્મચારીઓ માટે એક માઠા સમાચાર સામે આવી રહ્યા છે. મળી રહેલી માહિતી પ્રમાણે EPFOને નાણા મંત્રાલય દ્વારા મંજૂરી ન આપવામાં આવે ત્યાં સુધી નાણાકીય વર્ષ 2023-24 માટે વ્યાજદરની જાહેરાત ન કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.
એવું કહેવાઈ રહ્યું છે કે EPF સંસ્થા ખોટમાં ગઈ છે. EPFO શ્રમ અને રોજગાર મંત્રાલય હેઠળ આવે છે અને હાલમાં EPFOના 7 કરોડથી વધુ સભ્યો છે અને આ EPFO દ્વારા કર્મચારીઓની કર્મચારી ભવિષ્ય નિધિ અને કર્મચારી પેન્શન યોજનાનું સંચાલન કરવામાં આવે છે.
નાણાકીય વર્ષ 2021-22માં, EPFO પાસે 449.34 કરોડ રૂપિયાનું સરપ્લસ હતું, જ્યારે ચાલુ નાણાકીય વર્ષમાં, EPFO 197.72 કરોડ રૂપિયા ખોટમાં ગયું હોવાની માહિતી મળી રહી છે. આ બાદ જ ચૂકવવામાં આવનાર વ્યાજ દર પર પુનર્વિચાર કરવાનો નિર્ણય નાણા મંત્રાલય દ્વારા લેવામાં આવ્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે આગામી થોડા દિવસોમાં જ પીએફ પરના વ્યાજદરમાં ઘટાડો કરવામાં આવે એવી શકયતા વ્યક્ત કરાઈ રહી છે. આવી પરિસ્થિતિમાં પ્રાઈવેટ સેક્ટરમાં કામ કરતા કર્મચારીઓની ગણતરી ઉંધી પડી શકે છે.
અત્યારે EPFOએ નાણાકીય વર્ષ 2022-23 માટે PF પર 8.15% વ્યાજદર નક્કી કરવામાં આવ્યો છે.
અહીંયા તમારી જાણ માટે કે થોડાક સમય પહેલાં જ EPFOએ સભ્યોના ખાતામાં નામ, આધાર નંબર સહિત કુલ 11 વિગતો અપડેટ કરવા માટે નવી પ્રક્રિયા જારી કરી છે. આ બાબતે બહાર પાડવામાં આવેલા નવા નોટિફિકેશન મુજબ ખાતાધારકને નામ, જાતિ, જન્મ તારીખ, પિતાનું નામ, સંબંધ, વૈવાહિક સ્થિતિ, જોડાવાની તારીખ, છોડવાનું કારણ, છોડવાની તારીખ, રાષ્ટ્રીયતા અને આધાર નંબર અપડેટ કરવાની મંજૂરી આપવામાં આવી છે.